Vadodara

વડોદરાને પૂરથી બચાવવા ‘આજવા’ ખાતે રૂ. 7.84 કરોડનું સુરક્ષા કવચ; 14 હાઇ-ટેક પંપોથી લેવલ કંટ્રોલ કરાશે

સરોવરનું લેવલ 3 ફૂટ ઘટાડી 430 MCft વધારાનું પાણી સંગ્રહવાની ક્ષમતા ઊભી કરાઈ; વિશ્વામિત્રીમાં પૂરનું જોખમ ઘટશે

વડોદરા :;શહેરને પૂરની પરિસ્થિતિમાંથી આંશિક રાહત આપવા માટે આજવા સરોવર ખાતે કાર્યરત કરવામાં આવેલી નવીન ‘સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ’ના પેમેન્ટ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. G.P.M.C. એક્ટની કલમ 67(3)(C) હેઠળ કરવામાં આવેલી આ કામગીરી માટે ઇજારદાર M/s Aqua Machineries Pvt. Ltd. ને રૂ. 7,84,30,511 (18% GST સાથે) ચૂકવવાની મંજૂરી માંગવામાં આવી છે.
વર્ષ 1891માં નિર્મિત આજવા સરોવરનો કેચમેન્ટ એરિયા 95 Sq.Km છે. સરોવરનું હાઈએસ્ટ ફ્લડ લેવલ (HFL) 214 ફૂટ છે અને તેમાં પાણીના નિયંત્રણ માટે 62 દરવાજા આવેલા છે. સામાન્ય રીતે 211 ફૂટ પર પાણી પહોંચતા જ દરવાજા આપમેળે ખુલી જાય છે અને પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે, જે શહેરમાં પૂરનું કારણ બને છે.
આ સમસ્યાના ઉકેલ રૂપે, ચોમાસા દરમિયાન સરોવરના લેવલને પૂર્વ-તૈયારીના ભાગરૂપે ઘટાડવા માટે આ સિસ્ટમ બેસાડવામાં આવી છે.
આ પ્રોજેક્ટ માત્ર પૂર નિયંત્રણ પૂરતો સીમિત નથી. ભવિષ્યમાં જો શહેરમાં પાણીની જરૂરિયાત વધશે, તો આ સિસ્ટમનો ઉપયોગ કરીને 400 MLD કાચું પાણી નજીકના શુદ્ધિકરણ મથકો સુધી પહોંચાડી શકાશે. હાલમાં આજવા ખાતેથી નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સરેરાશ 145 MLD પાણી પૂરું પાડવામાં આવે છે.
ઇજારદાર દ્વારા મૂળ ઓફર રૂ. 7,87,25,486 રજૂ કરવામાં આવી હતી. જોકે, વાટાઘાટોના અંતે 0.375% ઓછા ભાવે એટલે કે રૂ. 7,84,30,511 ની ઓફર સ્વીકારવામાં આવી છે. કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાથી હવે આ રકમની આખરી મંજૂરી સ્થાયી સમિતિમાં લેવામાં આવશે.

સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતાઓ:
*​પંપની ક્ષમતા: 1200 m³/hour ની ક્ષમતા ધરાવતા 14 Dewatering પંપો બેસાડવામાં આવ્યા છે.
*​કુલ નિકાલ ક્ષમતા: આ સિસ્ટમ દ્વારા પ્રતિ દિવસ 400 MLD પાણીનો નિકાલ કરી શકાય છે.
*​સ્તરમાં ઘટાડો: પંપિંગ દ્વારા સરોવરનું લેવલ 211 ફૂટથી ઘટાડીને 208 ફૂટ કરી શકાય છે.
*​વધારાનો સંગ્રહ: લેવલ ઘટાડવાથી સરોવરમાં અંદાજે 430 MCft વધારાના પાણીનો સંગ્રહ કરવાની જગ્યા ઉપલબ્ધ થશે, જે સીધું નદીમાં વહી જતું અટકશે.

Most Popular

To Top