Vadodara

વડોદરાની હવામાં ઝેર : AQI 346 એ પહોંચતા શહેર ગેસ ચેમ્બર બન્યું !

સિગારેટ ન પીનારા પણ આજે 6 સિગારેટ જેટલું નુકસાન વેઠી રહ્યા છે :

તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે જાગશે ?

( પ્રતિનિધિ )વડોદરા,તા.31

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે વડોદરાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 346 ના આંક પર પહોંચી જતાં શહેરની હવા હેઝાર્ડસ એટલે કે અત્યંત જોખમી શ્રેણીમાં નોંધાઈ છે. આ મામલે થોડા દિવસો પહેલા વડોદરાની વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા પણ શહેરમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ બીન આરોગ્યપ્રદ સ્તર સુધી પહોંચી ગયો છે. જે નગરજનો માટે સ્લો પોઈઝન સમાન હોવાના આક્ષેપ સાથે રાજ્યના મુખ્યમંત્રી, જીપીસીબી મ્યુનિ.કમિશનર, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર અને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરામાં વધતા જતા પ્રદૂષણને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. સામાન્ય રીતે 0 થી 50 વચ્ચેનો AQI ‘સારો’ ગણાય છે, પરંતુ 300થી ઉપરનો આંકડો સ્વાસ્થ્ય માટે કટોકટી સમાન છે. સવારે 19 ડિગ્રી તાપમાન અને ધુમ્મસભર્યા વાતાવરણમાં પ્રદૂષણના કણો જમીનની નજીક રહેતા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 346 જેવો ઊંચો AQI એટલે કે શહેરમાં શ્વાસ લેવો એ દિવસની 6 થી વધુ સિગારેટ પીવા જેટલું નુકસાનકારક છે. આ પ્રદૂષિત હવા માત્ર ફેફસાં જ નહીં, પરંતુ હૃદય અને લોહીના ભ્રમણ પર પણ માઠી અસર કરે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી અસ્થમા ધરાવતા દર્દીઓ માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. શહેરમાં વધી રહેલા આ પ્રદૂષણ પાછળ બાંધકામ પ્રવૃત્તિઓ, વાહનોનો ધુમાડો અને ઠંડીની મોસમના કારણે હવાની ગતિ ઓછી હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શું રાખશો સાવચેતી ?

1.વહેલી સવારે અને સાંજે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.

2.બહાર જતી વખતે ફરજિયાતપણે N-95 માસ્કનો ઉપયોગ કરવો.

3.ઘરના બારી-દરવાજા બંધ રાખવા અને ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા.

4.વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી ખોરાક લેવો જેથી ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી શકે.

Most Popular

To Top