રામદેવ મોબાઈલ શોપમાં શોર્ટ સર્કિટથી આગમાં તમામ સામાન બળીને ખાખ
ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આવેલી રામદેવ મોબાઇલ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.



વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં વહેલી સવારે મોબાઈલની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડસર બ્રિજ પાસે આવેલી રામદેવ મોબાઇલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોબાઈલ, એસેસરીસ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વૈકુંઠધામ સોસાયટી એ ટુ માં રહેતા બંસીલાલ માળી રામદેવ મોબાઈલ નામે દુકાન ધરાવે છે. વહેલી સવારે પરિવારને શ્વાસ લેવામાં તકલીફ પડતા બહાર આવીને જોતા તેમની દુકાનમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. તાત્કાલિક તેમને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. બાદમાં દુકાનની ચાવી શોધી શટર ખોલતા સમગ્ર દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી, તેમના કહ્યા મુજબ તેમની દુકાનમાં મોબાઈલ એસેસરીઝ સહિતનો 22 થી 25 લાખ રૂપિયાનો સામાન હતો. જે કશું બચ્યું નથી, તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે બીજી તરફ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.