Charchapatra

લોકહિતમાં થતી સાંસદની રજૂઆતની અભદ્ર ટીકા

તાજેતરમાં કોઈ સાંસદ, શ્રી મનોજ ઝા નો સંસદમાં રજૂઆત કરતો વીડિયો મને વ્હોટ્સ પર મળ્યો. આ સાંસદ કોઈ પક્ષની રજૂઆત નહોતા કરતા, સરકારશ્રીને કોઈ ઠપકો નથી આપતા. સરકારશ્રીની એકલાની જવાબદારી નથી ઠેરવતા, અને જણાવે છે કે કોરોના દરમ્યાન દેશમાં કોઈ એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેનું કોઈ ને કોઈ મૃત્યુ પામ્યું ન હોય. એ સાંસદ જણાવે છે કે એ ઘટના તેઓ સૌની સહિયારી જવાબદારી છે. એમની રજૂઆત એમના હૃદયની વેદનાને આક્રોશયુક્ત વાચા આપતી હતી. તેઓની તટસ્થતા અને સહિયારી જવાબદારી વાત ગમી એટલે મેં એ વીડિયો મારા મિત્રમંડળમાં મોકલ્યો અને ફેસબુક પર પણ મૂક્યો. તેના પ્રત્યાઘાતરૂપે એક વડીલ મિત્રે ટીપ્પણી લખી કે વિરોધ પક્ષવાળા બધા જ મૂર્ખા છે. એમના આ એક શબ્દપ્રહારે તેમની વિદ્વત્તા કે રાજકીય બાબતોનું વિશ્લેષણ કરવાની નબળી બુધ્ધિશક્તિ પ્રદર્શિત કરી.

આમ તો સામાન્ય રીતે ઓટલા પરિષદ કે સમૂહમાં કોઈ રાજકીય બાબતોની ચર્ચા થાય ત્યારે દરેકે દરેક ચર્ચા કરનાર વ્યક્તિ પાસે ફોરીન પોલીસી, આર્થિક નીતિ, સરકારના નિર્ણયો સામે પોતાનો અભિપ્રાય હોય જ અને તે જ વ્યાજબી છે તેવી માનસિકતા એ એક મનોવિજ્ઞાન છે. પરંતુ કોઈ પણ ઉદ્બોધનને પૂરેપૂરું સમજ્યા વગર તમામ વિરોધ પક્ષોને મૂર્ખા કહી દેવા એ કહેનારની ઓળખ જ છતી કરે છે અને ભક્તિનું ઘોડાપૂર પોતાના શિર પર કેવું સવાર થયું છે તેની પ્રતીતિ કરાવે છે. વળી બેન્ક કર્મચારીઓ ભૂલી ગયા છે કે તેમને જે પેન્શનની સુવિધા મળી છે તે આ વિકાસના પ્રણેતા ક્યારેય આપત નહીં અને તેઓએ તો હવે દરેક નોકરી કરાર આધારિત કરી છે એટલે યુવાનોનું ભાવિ બિલકુલ અંધકારમય બનાવી દીધું છે. સુરત     – રાજેન્દ્ર કર્ણિક  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top