Charotar

લુણાવાડામાં દંપતીએ જ મહિલાને કેફી દ્રવ્ય પીવડાવી દેતા ગંભીર

જમીનની અદાવતમાં કુટુંબી જેઠ – જેઠાણીએ કેફી દ્રવ્ય પીવડાવડતા મહિલા બેભાન
લુણાવાડાના ચાંદસર ગામમાં રહેતા વિધવાની જમીનના ઝઘડામાં તેમના જ કુટુંબી જેઠ – જેઠાણીએ કેફી દ્રવ્ય પીવડાવી દીધું હતું. જેના કારણે મહિલા બેભાન થઇ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે લુણાવાડા પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો.
લુણાવાડાના ચાંદસર ગામમાં રહેતા સવિતાબહેન શૈલેષભાઈ (ઉ.વ.38) તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ શૈલેષભાઈ હીરાભાઈનું સવા એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના ઘર પાસે કાકા સસરા કાનાભાઈનું ઘર આવેલું છે અને તેમનો પુત્ર રમેશ કાનાભાઈ અને તેમના પત્ની કપિલાબહેન સાથે જમીન બાબતે અગાઉ ઝઘડો થયેલો હતો. દરમિયાનમાં 25મી માર્ચના રોજ સવારના સવિતાબહેન તેમની બહેન તથા બે પુત્રી સાથે ખેતરમાં દિવેલા કાપવા માટે ગયાં હતાં. પરંતુ તેમની તબિયત સારી ન લાગતા તેઓ તેમની નાની દિકરી રીયા (ઉ.વ.12) સાથે ઘરે આવ્યાં હતાં. આ સમયે રમેશ કાનાભાઈ અચાનક ધસી આવ્યો હતો અને સવિતાબહેનને બાવડાથી પકડી લીધાં હતાં. જ્યારે રમેશના પત્ની કપિલાબહેને ગ્લાસમાં કોઇ કેફી દ્રવ્ય હતું, તે સવિતાબહેનને પીવડાવી દીધું હતું. આ દ્રશ્ય જોઇ સવિતાબહેનની દિકરી રીયાએ બુમાબુમ કરી હતી. પરંતુ તે પહેલા સવિતાબહેન બેભાન થઇ ગયાં હતાં. આથી, રીયા તુરંત ખેતરે દોડી હતી અને પરિવારજનોને જાણ કરતાં તેઓ તુરંત ઘરે આવી પહોંચ્યાં હતાં. પરંતુ તે પહેલા સવિતાબહેનની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયાં હતાં. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં સઘન સારવારથી તેઓ ભાનમાં આવ્યાં હતાં. આ અંગે સવિતાબહેનની ફરિયાદ આધારે લુણાવાડા પોલીસે રમેશ કાના અને કપિલાબહેન રમેશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top