વડોદરા :
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વરઘોડા તથા અન્ય પ્રસંગોમાં DJ વગાડવાનું પ્રમાણ વધી ગયું છે. જોકે, પોલીસની પૂર્વ મંજૂરી વિના DJ અને લાઉડસ્પીકર વગાડી ઘોંઘાટ કરતા સંચાલકો સામે વડોદરા પોલીસે હવે લાલ આંખ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. મંજૂરી વગર લગ્નમાં DJ વગાડનાર ચાર સંચાલકો સામે ગુનો દાખલ થતાં DJ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ સામાજિક પ્રસંગમાં DJ અથવા લાઉડસ્પીકર વગાડવા માટે નિર્ધારિત સમયમર્યાદા અને પોલીસની સત્તાવાર પરવાનગી અનિવાર્ય છે. તેમ છતાં કેટલાક DJ સંચાલકો અને આયોજકો પોલીસ પરમિશન વિના બિન્દાસ્ત રીતે જોરશોરથી DJ વગાડતા હોવાથી જાહેર શાંતિ ભંગ થતી હોય છે. આવા કિસ્સાઓને ધ્યાને લઈ પોલીસે હવે કાર્યવાહી તેજ કરી છે.
લક્ષ્મીપુરા રોડ પર એચ.બી. પટેલ ફાર્મ પાસે ગોરવા પોલીસે એક લગ્ન પ્રસંગ દરમિયાન DJ વાગતો હોવાનું જાણવા મળતાં આઇસર ટેમ્પો રોકી તપાસ કરી હતી. DJ માલિક ચંદન લાલાભાઈ ચૌહાણ પાસે DJ વગાડવાની કોઈ પરવાનગી ન હોવાનું બહાર આવતા જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી DJ સહિત રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે બી.એન.એસ એક્ટ કલમ 292, 223 તથા જી.પી. એક્ટ કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
તે ઉપરાંત અટલાદરાના DJ સંચાલક નિલેશકુમાર પરમાર, કમલેશ રમેશ પંચાલ (રહે. પરિમલ સોસાયટી, અંકુર હોસ્પિટલ સામે, છાણી જકાતનાકા) અને અંકિત ભીખાભાઈ પરમાર (રહે. મહુવડ, તા. પાદરા, જી. વડોદરા) સામે પણ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ મંજૂરી વિના DJ વગાડનાર સામે કડક પગલાં લેવામાં આવશે.