Comments

રાહુલની પદયાત્રાનાં મકકમ પગલાં

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાની  હેઠળની ‘ભારત જોડો’ યાત્રાએ તા. ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ને દિને ૧૦૦ દિવસ પૂરા કર્યા છે. ૨૫૦૦ કિલોમીટરની સફર પછી તેણે દેશના હૃદય સમાન દિલ્હીમાં પ્રવેશ કર્યો છે અને કાશ્મીર પહોંચશે. યાત્રાએ શાસક પક્ષ પર અસર પાડી છે અને કેન્દ્રના આરોગ્ય પ્રધાને રાહુલ ગાંધીને તેમણે રાજસ્થાનનો પ્રવાસ પૂરો કર્યા પછી પત્ર લખ્યો છે, જેમાં તેમને કોરોનાની માર્ગદર્શિકાનો અમલ કરવા અથવા યાત્રા પડતી મૂકવા અનુરોધ કર્યો છે. જો કે સરકારે હજી આ લખાય છે ત્યાં સુધી કોરોનાની માર્ગદર્શિકા બહાર પાડી નથી. રસપ્રદ વાત એ છે કે કેન્દ્રના આરોગ્ય પ્રધાને રાજયના ત્રણ સંસદસભ્યોના એવા પત્રના અનુસંધાનમાં આ પત્ર લખ્યો છે જે પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાહુલની પદયાત્રાને કારણે વાઇરસની બીમારી ફાટી નીકળી છે. આરોગ્ય પ્રધાનની પત્રનો આધાર કેન્દ્ર કે રાજય સરકારના કોઇ તારણ પર આધારિત નથી.

આટલું લાંબું અંતર ૧૦૦ દિવસમાં ચાલવું એ કહેવું સહેલું છે કરવું અઘરું છે. આથી પદયાત્રીઓ સાથે અણથક યાત્રા કરનાર રાહુલને અભિનંદન. શારીરિક અને નૈતિક રીતે રાહુલ લોકોની નજરમાં વિજયી બન્યા છે. તે પોતાની છબી ખરડવાના એક દાયકાથી ચાલતા પ્રયાસો સામે ઉજળા બનીને બહાર આવ્યા છે. ગાંધી અને તેમના ‘ભારત જોડો યાત્રા’ના ઘડવૈયાઓ એમ મનાવવાની કોશિશ કરે છે કે ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળના શાસક પક્ષની ભાંગફોડિયા પ્રવૃત્તિ સામે અને કાર્યસૂચિ સામે આ ‘એકતા’નું મિશન હતું. બીજી કોઇ રાજકીય કે ચૂંટણીલક્ષી કાર્યસૂચિ ન હતી કે છબી સુધારવાની પ્રવૃત્તિ ન હતી. દેશને એક કરવાની જ ભાવના દેખાય છે, તે ઉપરાંત દેશના રાજકીય મંચ પર રાહુલને ફરીથી રજૂ કરવાનો ઉપક્રમ લાગે છે.

રાહુલની સ્ફૂર્તિને સલામ, ને નવી પેઢી માટે પ્રેરક છે. રાહુલ બુધ્ધુ નબીરો છે એવા ભારતીય જનતા પક્ષના પ્રચારની હવા નીકળી ગઇ છે. રાહુલના લોકસંપર્ક અને દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાથી તેમના ટીકાકારો અજંપ થઇ ગયા હશે. રાહુલ ગાંધી બુડથલ છે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના પ્રચારથી પ્રભાવિત વ્યાપક લોકોને પણ આશ્ચર્ય થયું હશે.  રાજયોનાં શહેરો અને ગામડાંઓમાંથી ૧૦૦ દિવસ પદયાત્રા કરનાર રાહુલે ચાવીરૂપ મુદ્દાઓને પોતાને ચિંતા અને ગતાગમ છે તે પુરવાર કર્યું છે. તેણે લોકો સાથે સીધો સંપર્ક કરી ભારતીય જનતા પક્ષના મિશનલક્ષી ઝુંબેશમાંથી પરિણમેલો પહેલો અવરોધ દૂર કર્યો છે. મોદીએ પોતાની વાક્‌છટાથી ઝુંબેશ ચલાવી હતી જયારે ગાંધીએ જનસંપર્કથી તેનો જવાબ આપ્યો છે. મોદીએ વકતવ્ય પર ભાર મૂકયો છે જયારે રાહુલે એક ધીરજવાન શ્રોતાની અને તે દ્વારા ચર્ચાની છબી ઉપસાવી છે.

‘ભારત જોડો’ તાજેતરના કાળમાં તેના પ્રકારની પહેલી યાત્રા છે. હા, તે સમયના જનતા પક્ષના પ્રમુખ અને પછીથી વડા પ્રધાન બનેલા ચંદ્રશેખરે કેરળથી નવી દિલ્હી સુધીની યાત્રા કરી હતી અને તેનું નામ ‘ભારત યાત્રા’ અપાયું હતું. દેશને એક કરવાનું કામ અત્યારે અગ્રક્રમે છે અને કોંગ્રેસ અને ગાંધીએ તે કામ હાથ પર લીધું છે પણ આખરી વારનો ચૂંટણી વિજય છે. કોંગ્રેસના રાજકીય ભાગ્ય માટે યાત્રાના ઘડવૈયાઓએ દેશની એકતાને પ્રાધાન્ય આપ્યું.

લોકો સાથે સીધી વાતચીત કરવાને બદલે યાત્રા કરવાથી વળતર સારું મળશે જ અને ૩૫૦૦ કિલોમીટરની ‘ભારત જોડો યાત્રા’ પૂરી થાય તે પહેલાં તેનું સારું ફળ મળવા પણ માંડયું છે. ૧૦૦ દિવસમાં રાહુલ ગાંધીએ કુલ ૭૦ ટકા અંતર કાપી લીધું છે અને દેશ સમક્ષના પ્રશ્નોને જે રીતે તેમણે હાથ ધરવા માંડયા છે તેનાથી તેમણે પોતાની છબી સુધારવાનો જે વ્યાયામ હાથ ધરવા માંડયો છે તેનું ફળ મળવા માંડયું છે. છેલ્લા એક દાયકાના તેમના મૌનનું સ્થાન વિવિધ વિષયો પર સાંભળવાની ચર્ચા કરવાના અને પોતાના અભિપ્રાય વ્યકત કરવાના ઉત્સાહે લીધું છે. ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆતમાં રાહુલ ગાંધીની ક્ષમતા વિશે શંકા કરનારાઓને તેમની ક્ષમતા વિશે હવે વિશ્વાસ જાગ્યો છે. નહીં તો માત્ર લોકો તરફથી જ નહીં, સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી તેમને આવો પ્રતિભાવ કેવી રીતે મળે? સમાજની પ્રખર વ્યકિતઓ તેમને જાણ્યા પરખ્યા પછી તેમની આ યાત્રાને માન આપી યાત્રામાં જોડાયા છે.

‘યાત્રા’ને મળેલો લોકોનો ઉત્સાહભર્યો પ્રતિભાવ વાસ્તવિક હતો. ભારતીય રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન, ભૂતપૂર્વ નાણાં સચિવ અરવિંદ મયરામ, જાણીતાં લેખિકા અને તેમનાં પત્ની શૈલ મયરામ, પ્રશાંત ભૂષણ, પૂજા ભટ્ટ, રિયા સેન, સુશન સેન, કુણાલ કામરા વગેરે ગાંધી સાથે ચાલ્યા હતા અને ગાંધી સાથે ચર્ચા કરી હતી. પદયાત્રાએ ૧૦૦ દિવસમાં કોંગ્રેસના કાર્યકરોમાં વિશ્વાસનું સિંચન કર્યું છે. એક દાયકાથી વધુ સમયથી તેમની ઉપેક્ષા થઇ હતી. હવે તો ખુદ બળવાખોરો સહિતના વરિષ્ઠ નેતાઓને મુખ્ય પ્રવાહમાં ભળવાની જરૂર લાગી.

યાત્રાનો બીજો લાભ એ છે કે કોંગ્રેસના પાયાના સિધ્ધાંતોનું પુનર્સ્થાપન થયું છે. પક્ષને ફરીથી પોતાનું અસ્તિત્વ જડયું છે અને તેને માટે રાહુલ ગાંધીનો આભાર માનવાનો કે તેણે પક્ષના આદર્શો અને તેના ટેકાનો જોડયા હતા. આ યાત્રાની ફળશ્રુતિરૂપે રાહુલને આવકારનારાઓ કોંગ્રેસને મત આપશે કે કેમ તે કહેવું વહેલું છે. પણ સંગઠન સ્તરે સતત આયોજન અને પ્રયાસ તેમજ યાત્રાને  પ્રયાસને કારણે જે વાતાવરણ જામ્યું છે તે જાળવી રાખવામાં આવશે તો જ મતદારો ચૂંટણીમાં કોંગ્રેસને મત આપશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top