સ્વચ્છતા, ગટર અને ટ્રાફિક મુદ્દે બેઠકો તો સતત, પરંતુ જમીન પર સ્થિતિ યથાવત; નાગરિકોમાં નારાજગી


(પ્રતિનિધિ), વડોદરા. તા. 10
વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને ફરી એકવાર રિવ્યૂ બેઠક યોજાઈ, જેમાં સ્વચ્છતા, ગટર લાઇનના નવીનીકરણ અને વિકાસકાર્યો અંગે કડક સૂચનાઓ આપવામાં આવી. જોકે, શહેરના નાગરિકોમાં હવે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે—બેઠકો ઘણી, પરિણામ શૂન્ય કેમ?
પાલિકા કચેરીમાં યોજાતી આવી બેઠકોમાં દર વખતે “સ્વચ્છતામાં કોઈ બાંધછોડ નહીં”, “ગલીઓમાં 100% સફાઈ”, “રાત્રિ સફાઈ વધુ સઘન બનાવો” જેવી જ સૂચનાઓ પુનરાવર્તિત થાય છે. પરંતુ હકીકતમાં શહેરની અનેક આંતરિક ગલીઓમાં કચરાના ઢગલા, ગંદકી અને દુર્ગંધ યથાવત છે. નાગરિકો કહે છે કે સૂચનાઓ ફાઈલોમાં રહી જાય છે, જમીન પર અમલ થતો નથી.
શહેરમાં ચાલી રહેલા ગટર લાઇનના કામને લઈ પણ લોકો ભારે પરેશાન છે. રસ્તાઓ ખોદી મૂકવામાં આવ્યા છે, દિવસો સુધી મરામત થતી નથી, ટ્રાફિક જામ સામાન્ય બની ગયો છે. કમિશનર દ્વારા “નાગરિકો સહકાર આપે” તેવી અપીલ કરવામાં આવે છે, પરંતુ નાગરિકો પૂછે છે—પાલિકા પોતે જવાબદારી ક્યારે લેશે?
ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય છે, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર અણઘડ પાર્કિંગ અને ટ્રાફિક અસ્તવ્યસ્તતા રોજિંદી સમસ્યા બની છે. સ્થાનિકોનું કહેવું છે કે અધિકારીઓ મીટિંગ રૂમમાંથી બહાર આવી ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જોવે તો જ વાસ્તવિકતા સમજાય.
નાગરિકોમાં હવે એવી લાગણી વ્યાપી છે કે મ્યુનિસિપલ કમિશનર માત્ર બેઠકો કરીને “રિવ્યૂ” પૂરતું જ કામ કરી રહ્યા છે, જ્યારે શહેરને સાચી રીતે સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે પરિણામલક્ષી કાર્યવાહી જરૂરી છે. વડોદરાને હવે વધુ બેઠક નહીં, કાર્યરત પરિણામ જોઈએ—એવી તીવ્ર માંગ ઉઠી રહી છે.