Vadodara

મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપનીના શટરનો નકૂચો તોડી રૂ.1.75લાખના જોબ મટિરીયલની ચોરી

આશરે 38 નંગ જોબ જેનું કુલ 1300કિલો વજનના જોબ મટિરીયલની ચોરી થઇ હોવાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 21

શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી દવાની કંપનીના મશીનોમાં વપરાતા સ્ટીલ મટિરીયલના જોબવર્કનુ કામ કરતી કંપનીના ગત તા. 13 માર્ચના રોજ શટરના લોકના નકુચા તોડી કોઈ અજાણ્યા તસ્કરો આશરે 38 નંગ જોબવર્ક મટિરિયલ જેનું વજન 1300કિલો જેની આશરે કિંમત રૂ 1,75,000ના મતાની ચોરી કરી ગયું હોવાની ગુરુવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ જીઆઇડીસી રોડ ખાતે ક્રિશ્ના નગર સોસાયટીમાં ગોવિંદભાઈ કલ્યાણભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને મકરપુરા જીઆઈડીસીમાં ટેમ્પો ચોકડી નજીક 496/5 જી.પી.ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવે છે.આ કંપનીમાં દવાની કંપનીમાં ઉપયોગમાં લેવાતાં મશીનની અંદરના સ્ટીલના મટિરીયલના જોબવર્કની કામગીરી કરવામાં આવે છે આ મટિરીયલ પોર જીઆઇડીસીના કંપની નં.213 માંથી આવે છે જેના જોબવર્કની કામગીરી બાદ પરત મોકલવામાં આવે છે.ગત તા. 12 મી માર્ચના રોજ કંપનીમાં કામગીરી બાદ રાત્રે 8 વાગ્યે કંપનીના શટરને લોક કરી ગોવિંદભાઈ પોતાના ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે આઠ વાગ્યે કંપનીમાં આવ્યા ત્યારે કંપનીના મુખ્ય શટરના બંને તરફના તાળાના નકૂચા તૂટેલા હતા અને શટર ત્રણ ફૂટ ખુલ્લું હતું જેથી અંદર જઇને તપાસ કરતાં પોરની કંપનીમાં થી આવેલ જોબ વર્ક માટેના સ્ટીલના નાના મોટા 38નંગ જેનું વજન 1300કિલો હતું જેની આશરે કિંમત રૂ 1,75,000ના મતાની ચોરી થઇ હોવાનું જણાયું હતું જે તે સમયે કેટલા જોબ ચોરાયા હતા તેની માહિતી ન હોવાથી આ ચોરીના બનાવ અંગે ગુરુવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top