વડોદરામાં ગૌમાંસના સમોસાના પ્રકરણમાં ભાલેજ એપી સેન્ટર હોવાનું ખુલતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી
પોલીસે સ્થળ પરથી ગૌવંશ કતલના સાધનો, ગૌમાંસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી
આણંદના ભાલેજ ગામમાં ઇન્દીરા નગરી પાછળના ભાગે આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીની તળાવ તરફની પડતર જગ્યા પર ગૌવંશ કતલ કરતા શખ્સો પર પોલીસ ત્રાટકી હતી. જોકે, પોલીસના દરોડામાં એક જ શખ્સ પકડાયો હતો. આ ઉપરાંત સ્થળ પરથી ગૌવંશ કતલના સાધનો, ગૌમાંસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાલેજ પોલીસને બાતમી મળી હતી કે, ભાલેજ ઇન્દીરાનગરી પાછળના ભાગે આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીની તળાવ તરફની પડતર જગ્યામાં બાવળના ઝાડ નીચે ભાલેજનો સલીમ ઉર્ફે ચીનીમીની યુસુફ પઠાણ તેના માણસો સાથે ગૌવંશની કતલ કરી રહ્યો છે. આ બાતમી આધારે ભાલેજ પોલીસે ખાસ ટીમ બનાવી 13મીની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પર ત્રણેક વ્યક્તિ ઝાડી – ઝાખરવાળી જગ્યામાં બાવળના ઝાડ નીચે બેટરીના અજવાળે પશુની કતલ કરી વાઢ – કાપ કરતાં હોવાનું માલુમ પડ્યું હતું. આથી પોલીસે કાર્યવાહી કરતાં પશુની વાઢકાપ કરતા માણસો ભાગી ગયાં હતાં. જેમાં સલીમ ઉર્ફે ચીનીમીની યુસુફ પઠાણ ઓળખાયો હતો. જ્યારે અન્ય બે શખ્સની ઓળખ થઇ નહતી. ભાલેજ પોલીસની ટીમે સ્થળ પર સર્ચ ઓપરેશન કરતાં પશુનુ હાડમાંસ કતલ કરેલી હાલતમાં પડેલું હતું. જેના પગ, માથુ કાપેલા હતાં. પેટનો ભાગ ખુલ્લી હાલતમાં પડેલો હતો. તેની આસપાસ ઘણી બધી માત્રામાં લોહી વહેતું પડેલું હતું. જે ગૌવંશ હોવાનું જણાયું હતું. આથી, તાત્કાલિક પશુ ચિકિત્સા અધિકારી ડો. એચ.એલ. કાચાને સ્થળ પર બોલાવી ચકાસણી કરાવતાં તે ચામડું, શિંગડા, કાન, પુછડું વિગેરેની તપાસ કરી ગાય હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત પશુના હાડમાંસમાંથી જરૂરી નમુના લઇ પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી એફએસએલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સ્થળ પર લાકડાના દસ્તામાં ફિટ કરેલા કુહાડી તથા હાડમાંસ સાથે પડેલા લાકડાના હાથાવાળો ધારદાર છરો, એક લાકડાના હાથાવાળુ ડિસમીસ જેવુ સાધન મળી આવ્યું હતું. જે તમામ વસ્તુ પોલીસે કબજે કરી હતી. આસપાસમાં દોરડા, માંસના લોચા સહિતની વસ્તુ પણ મળી આવી હતી. જોકે,પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધારાની વસ્તુનો સ્થળ પર જ નાસ કર્યો હતો. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભીમસિંહની ફરિયાદ આધારે સલીમ ઉર્ફે ચીનીમીની યુસુફ પઠાણ તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.