બ્રાઝિલમાં ફૂટબોલ રમત ઘણી લોકપ્રિય છે. ઓલિમ્પિકમાં બ્રાઝિલે અનેક ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. ગયા વર્ષે બ્રાઝિલમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. તે કારણે ફૂટબોલ રમત આશરે દોઢ વર્ષ સુધી બંધ રહી હતી. થોડા સમય પહેલાં ત્યાં ફૂટબોલ રમત રમાઇ રહી હતી તેમાં રસીના બે ડોઝ લેનારને જ પ્રવેશ આપવા નિર્ણય કરાયો હતો. બ્રાઝિલ રાષ્ટ્રપતિ આ રમત જોવા મેદાન પર ગયા. તેઓ રસીની વિરુદ્ધ હોવાથી તેમણે રસીનો કોઇ ડોઝ લીધો ન હતો. સલામતી રક્ષકોએ તેમને પ્રવેશ કરતા અટકાવ્યા હતા. તેમણે સામે દલીલ કરી હતી કે તેમણે રસી લીધેલ ન હોવા છતાં, તેમનામાં અન્યો કરતાં એન્ટીબોડીઝ વિશેષ પ્રમાણમાં છે. પરંતુ તેમની આદલીલ સ્વીકારઇ ન હતી અને તેમને પ્રવેશ અપાયો ન હતો.
ભારતમાં સામાન્ય જનતા અને નેતાઓ માટેના ધોરણો ભિન્ન છે. બ્રાઝિલના આ ઉદાહરણ પરથી જોઇ શકાય છે કે ત્યાં સામાન્ય આદમી અને રાજકીય નેતાઓ સાથેના વ્યવહારમાં કોઇ તફાવત નથી. આપણા દેશમાં માસ્ક પહેરવા તેમજ શારીરિક અંતર જાળવવા વારંવાર મિડીયા મારફત અપીલોનો મારો ચલાવામાં આવી રહેલ હોવા છતાં, નેતાઓ અને તેમના સમર્થકો માસ્ક પહેર્યા વિના ભીડમાં બિન્દાસ ફરતા હોય છે. કુંભમેળા, પ.બંગાળ ચૂંટણી અને ત્યાર પછી અનેક પ્રસંગોએ પ્રજાએ આ બધું જોયેલ છે. આ રીતે જોઇએ તો કોરોના વધારવામાં આપણા નેતાઓનું પણ પ્રદાન છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.