ત્રણ મહિલાની ધરપકડ, 3300 લીટર દારૂ બનાવવાના વોશનો નાશ કરાયો
(પ્રતિનિધિ ) વડોદરા તા.15
ભાયલી સેવાસી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર તાલુકા પોલીસે સપાટો બોલાવ્યો હતો. જેમાં ત્રણ દારૂની ભઠ્ઠી પરથી ત્રણ મહિલાની ધરપકડ કરીને 3300 લીટર દારૂ બનાવવાના વોશનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ હોય આચારસંહિતના પણ લાગુ છે ત્યારે પોલીસ વિભાગ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. પોલીસ દ્વારા રાત્રીના ફુટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગની સઘન કામગીરી કરાઇ રહી છે. બીજી તરફ કોમ્બિગં હાથ ધરીને ગુનાઇત ભુતકાળ ધરાવતા આરોપીઓને પણ ચેક કરવામાં આવી રહ્યા છે.તાજતેરમાં નંદેસરી પોલીસ દ્વારા સાંકરદા અને અનગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી દારૂ તથા વોશનો નાશ કરાયો હતો. ત્યારે હવે તાલુકા પોલીસ દ્વારા 15 એપ્રિલને સોમવારના રોજ ભાયલી-સેવાસી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને તળાવ કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી દારૂનો ધંધો કરતી ત્રણ મહિલા ગીતા માળી, શીતલ માળી અને દિવાળી માળીને ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી પરથી 3300 લીટર દારૂ બનાવવાના દારૂનો નાશ કરાયા હતો.