Charotar

બોરસદના કઠાણા ગામમાંથી તસ્કરો રૂ.3.61 લાખની મત્તા ચોરી ગયાં

કેટરીંગનો વ્યવસાય કરતાં યુવકના ઘરમાંથી દાગીના, રોકડ ચોરી ગયાં

(પ્રતિનિધિ) બોરસદ તા.8

બોરસદ તાલુકાના કઠાણા ગામમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ કેટરીંગનો વ્યવસાય કરતાં યુવકના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં ઘુસી રોકડ, દાગીના મળી કુલ રૂ.3.61 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કઠાણા ગામની પ્રાથમિક શાળા પાસે રહેતા વિજયભાઈ ઉર્ફે લાલો રણજીતસિંહ સોલંકી કેટરીંગનો વ્યવસાય કરે છે. વિજયભાઈના બે ખંડવાળા મકાનમાં આગળ ઓસરીનો ભાગ આવેલો છે અને ઓસરી મુકી ઘરમાં પ્રવેશ કરતા પ્રથમ ખંડ ઉઠવા બેસવા માટેનો લાખડાનો ફર્નિચર અને કબાટવાળો છે. બીજા ખંડમાં લોખંડની તિજોરી મુકી છે. દરમિયાનમાં 7મી એપ્રિલના રોજ વિજયભાઈ કામ ધંધા અર્થે સાડા સાતેક વાગે સુદણ ગામે લગ્ન પ્રસંગમાં ખમણ અને ઢોકળા બનાવવા માટેના ઓર્ડરમાં ગયાં હતાં. તે વખતે રાત્રિના સાડા ત્રણેક વાગ્યે તેમને જાણવા મળ્યું હતું કે, ઘરમાં ચોરી થઇ છે. આથી, તેઓ સુદણથી ઘરે દોડી આવ્યાં હતાં. જોયું તો ઘરના પ્રથમ ખંડમાં લાકડાના ફર્નીચરના કબાટના બારણા ખુલ્લા હતા અને કબાટમાનો સામાન વેર વિખેર પડેલો હતો. બીજા ખંડમાં જઇ જોયું તો તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને ચાવી તિજોરીના લોકરમાં જ ભરાવેલી હતી. તિજોરીમાં મુકેલી વસ્તુઓ તિજોરીની બહાર વેરણ છેરણ પડેલી હતી. જેથી તિજોરીઓમાં તપાસ તરાં રોકડ રૂ.1.35 લાખ, સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ.3.61 લાખની મત્તા ચોરી થઇ હતી.

આ અંગે વિજયભાઈએ તેમના પત્નીને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, રાત્રિના અગિયાર વાગ્યે તેઓ બાળકો અસરીમાં સુઇ ગયા હતાં અને ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારેલું નહતું. જેનું હેન્ટલ મારેલું હતું. સાડા ત્રણેક વાગ્યે આંખ ખુલતા  જોયું તો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. જેથી પરિવારના અન્ય સભ્યોને જગાડતા તેઓ પણ ચોંકી ગયાં હતાં. આ દરમિયાન ગામના અન્ય લોકો પણ ભેગા થયાં હતાં. તેઓએ પણ જણાવ્યું કે, કબીર મંદિર પાસે રહેતા જનકબહેન ભરતભાઈ સોલંકીના ઘરમાં મુકેલી પતરાની પેટીઓ લઇ ગયા છ. જેમાં સાડી, કપડાં ભરેલાં હતાં. જે પેટી રોડ પાસે પડેલી મળી છે. આમ અજાણ્યા શખ્સો વિજયભાઈના ઘરમાં ઘુસી રોકડ તથા દાગીના મળી કુલ રૂ.3.61 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે વિરસદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top