Bodeli

બોડેલી નજીક નર્મદા કેનાલ પર દારૂની ખેપ મારતા ખેપીયાનો અકસ્માત

દારૂની રેલમછેલ વચ્ચે કારમાં બેઠેલા બાળકોમાં ખોફ, પોલીસની કામગીરી પર ગંભીર સવાલો
(પ્રતિનિધિ) બોડેલી |
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં દારૂની હેરાફેરી કેટલી બેફામ બની ગઈ છે તેનું ચોંકાવનારું દ્રશ્ય અલ્હાદપુરા નજીક નર્મદા કેનાલ પાસે જોવા મળ્યું. મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં દારૂની ખેપ મારતા એક ખેપીયાનો અકસ્માત થતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક પરિવાર ગંભીર રીતે ભયભીત બન્યો હતો, કારણ કે તેમની કારમાં ચાર નાના બાળકો બેઠેલા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, એક પરિવાર લગ્ન પ્રસંગે વડોદરા જઈ રહ્યો હતો ત્યારે નર્મદા કેનાલ પાસે એક બાઈક ચાલક તેમની કાર સાથે અથડાયો. અકસ્માત થતાં જ બાઈક પરથી અંગ્રેજી દારૂની બોટલો રોડ પર વેરાઈ ગઈ અને સમગ્ર ઘટના અલગ જ વળાંક લઈ ગઈ. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને દારૂ લૂંટવાનો દ્રશ્ય સર્જાયું. કેટલાક લોકો તો દારૂ લઈને ભાગી પણ ગયા. કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા.

“પોલીસ ચેકપોસ્ટ ક્યાં છે?” – જનતાના તીખા સવાલ
આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર બાળકો માટે આ દ્રશ્યો જીવનભર ન ભૂલાય એવા બની ગયા. તેમના માતા–પિતાએ જણાવ્યું કે બાળકો અત્યંત ડરી ગયા છે અને આવા ભયાનક દ્રશ્યો તેમણે ક્યારેય જોયા નથી. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્થળ પર પહોંચી અને કાર્યવાહી શરૂ કરી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ યથાવત છે—આટલા બધા દારૂના ખેપિયા બોડેલી સુધી પહોંચે છે કેવી રીતે? શું રસ્તામાં કોઈ પોલીસ ચેકપોસ્ટ નથી? અને જો છે તો ખેપિયા ત્યાંથી પસાર કેવી રીતે થાય છે?
છોટાઉદેપુર જિલ્લામાં વારંવાર દારૂ ભરેલા વાહનો અકસ્માતમાં ઝડપાય છે, છતાં તંત્ર મૌન છે. હવે લોકો ખુલ્લેઆમ કહે છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય, તો આવા અકસ્માતોમાં કોઈ દિવસ કોઈ બાળકનો જીવ જશે—ત્યારે જવાબદારી કોણ લેશે?

રિપોર્ટર: ઝહીર સૈયદ

Most Popular

To Top