Sukhsar

બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ખાતાધારકોના ખાતામાંથી બારોબાર રૂ. ૨,૩૭,૦૮૦ ઉપડી ગયા

ખેડૂત તથા પતિ-પત્નીના ખાતામાંથી રકમ ગાયબ, કોઈ મેસેજ પણ ન આવ્યો—પોલીસ તપાસ શરૂ
(પ્રતિનિધિ) સુખસર, તા. ૩૧
સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે આવેલી એકમાત્ર બેંક ઓફ બરોડા શાખામાંથી કેટલાક ખાતાધારકોના ખાતામાંથી બારોબાર હજારો રૂપિયા ઉપડી જવાની ગંભીર ઘટના સામે આવી છે. ખેડૂત તેમજ પતિ-પત્નીના ખાતામાંથી કુલ રૂ. ૨,૩૭,૦૮૦ની રકમ ઉપડી ગઈ હોવા છતાં ખાતાધારકોના મોબાઇલમાં કોઈ એસએમએસ ન મળતાં બેંક વ્યવસ્થાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બેંકમાં રૂબરૂ તપાસ કરતા ખાતાધારકોને ઘટનાની જાણ થતાં સુખસર પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, સુખસર શાખામાં આસપાસના અંદાજે ૪૫ જેટલા ગામોના ખેડૂતો, નોકરીયાતો, શ્રમિકો તેમજ વિદ્યાર્થીઓના હજારો ખાતા સંચાલિત થાય છે. ડિસેમ્બર માસ દરમિયાન કેટલાક ખાતાધારકોના બેલેન્સમાંથી અજાણ્યા રીતે મોટી રકમ કપાત થતી હોવાની ફરિયાદો સામે આવી છે.
પ્રથમ કિસ્સામાં હિંગલા ગામના કીકાભાઈ કાનજીભાઈ સંગાડા તથા તેમના પત્ની લલીતાબેનના ખાતામાંથી રકમ ઉપડી ગઈ છે. કીકાભાઈના ખાતામાંથી તા. ૨૧-૧૦-૨૦૨૫ના રોજ રૂ. ૫,૦૦૦, તા. ૨૭-૧૦-૨૦૨૫ના રોજ રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૫,૦૦૦ ઉપડી ગયા હતા. જ્યારે તા. ૦૨-૧૧-૨૦૨૫ના રોજ લલીતાબેનના ખાતામાંથી રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૩૦,૦૦૦ એમ કુલ રૂ. ૮૦,૦૦૦ બારોબાર ઉપડી ગયા હતા. આમ પતિ-પત્નીના કુલ રૂ. ૧,૫૫,૦૦૦ ઉપડી જતા કીકાભાઈએ સુખસર પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં હિંગલા ગામના ખેડૂત દશરથભાઈ ધનાભાઈ કટારા પોતાના ખાતામાં ખેતીની આવકમાંથી બચત રાખતા હતા. ટ્રેક્ટરના હપ્તા ભરવા માટે ખાતામાં રૂ. ૮૩,૧૧૦ જમા હતા. પરંતુ તા. ૩૦-૧૨-૨૦૨૫ના રોજ બેંકમાં સ્ટેટમેન્ટ કાઢતાં ખાતામાં માત્ર રૂ. ૧,૦૩૦ હોવાનું સામે આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે તા. ૧૪ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન માત્ર બે દિવસમાં અલગ-અલગ સમયે કુલ રૂ. ૮૨,૦૮૦ બારોબાર ખાતામાંથી ઉપડી ગયા હતા. દશરથભાઈએ પણ સુખસર પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઈમ વિભાગમાં લેખિત ફરિયાદ આપી છે.
અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે તમામ ખાતાધારકોના ખાતા સાથે મોબાઇલ નંબર નોંધાયેલ હોવા છતાં નાણા ઉપાડ વખતે કોઈ એસએમએસ અલર્ટ મળ્યું નથી. ફ્રોડનો ભોગ બનેલા ગ્રાહકોના જણાવ્યા મુજબ અગાઉથી જ બેંક મેસેજ સેવા બંધ થઈ ગઈ હતી. ત્યારે મેસેજ સેવા કઈ રીતે અને ક્યારે બંધ થઈ—તે પણ તપાસનો વિષય બન્યો છે.
ચાલુ માસ દરમિયાન સુખસર શાખાના અનેક ગ્રાહકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તથા જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ બેંક ગ્રાહકોમાં ઉઠવા પામી છે

Most Popular

To Top