Charchapatra

બાળપણ છીનવતા સમર વેકેશન

એપ્રિલ માસ પૂર્ણ થવાની સાથે મે માસમાં ગરમીમાં થઇ રહેલ સતત વધારો અને વેકેશન લંબાવવાના સમાચાર! ઇલેકશનને કારણે જો શૈક્ષણિક વેકેશનમાં ફેરફાર થઇ શકતો હોય તો પછી ગરમીને કારણે બાળકોના વેકેશનમાં ફેરફાર કેમ નહીં? આપણે જયારે ભણતા ત્યારના દિવસો યાદ કરીએ તો પરીક્ષા પૂર્ણ થયેથી એપ્રિલ માસથી વેકેશન શરૂ થાય ત્યારથી લઇને જૂન માસમાં જ શાળાએ જવાનું એટલે બે મહિનાના વેકેશનનો ભરપૂર આનંદ માણી શકતા પરંતુ હવે તો માર્ચ મહિનામાં પરીક્ષા પૂર્ણ કરી દરેક શાળામાં (અપવાદને બાદ કરતાં) એપ્રિલથી નવું સત્ર શરૂ કરવામાં આવે છે જે કેટલું યોગ્ય?

એક મહિનો નવા ધોરણમાં પ્રવેશ કરી હજુ માંડ સેટ થાય ત્યાં મે વેકેશન આવી જાય. સીબીએસસી ઇંગ્લીશ મીડિયમની સાથે સાથે હવે તો ગ્લોબલ (ગુજલીશ)થી લઇને પ્રી સ્કુલમાં પણ આખો એપ્રિલ મહિનો ભરતાપમાં શાળાઓ ચાલુ રાખવામાં આવે છે અથવા સમય કેમ્પ કરવામાં આવે છે અને વાલીઓ પણ પોતાનાં  બાળકોને વેકેશનમાં સાચવવાનો ભાર લાગતો હોય તેમ સમય કેમ્પની એકસ્ટ્રા ફી ભરીને પણ બાળકોને શાળાને સોંપતાં અચકાતાં નથી અને આ કેમ્પમાં વળી બાળક ખૂબ હોંશિયાર બની જવાનું હોય તેમ જાણે આખું વર્ષ ભણતરના બોજથી કંટાળેલા બાળકને વેકેશનનો પૂરેપૂરો આનંદ માણવાને બદલે નવા બોજથી દબાયેલો બનાવવા અચકાતા નથી. આ બધી બાબતોનો વધતો ક્રેઝ એ પૈસાનું પાણી કરવાની સાથે બાળકોનું બાળપણ છીનવી રહ્યું છે. તેમાં વળી એપ્રિલના એક મહિના પૂરતું નવું સત્ર શરૂ કરવાનો આ થોડા વર્ષનો પ્રયાસ તો મારા મત મુજબ સાવ જ નકામો છે. બાળપણ છીનવવા માટે વેકેશનના સમયને તો બક્ષો (છોડો)
અમરોલી          – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top