કેમ છો?
મોસમમાં અણધાર્યું પરિવર્તન આવતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરાઇ ગઈ છે. સાથે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ ઘટતાં મોંઘવારી ઘટવાની આશા બંધાઇ છે. મતલબ કે સપ્તાહની શરૂઆત સારી થઇ છે. તો આપ સહુને આપની આશાઓ ફળીભૂત થાય અને જીવનમાં આનંદ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ….
સન્નારીઓ, ૨૮ મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ છે… માસિકચક્ર એટલે સ્ત્રીનાં જીવન સાથે જોડાયેલું અને સર્જનની ક્રિયાને ગતિશીલ રાખતું ચક્ર… જે સ્ત્રીને પૂર્ણ સ્ત્રીત્વ બક્ષે છે. જેથી એનું ગૌરવ – ગરિમા હોવી જોઇએ પરંતુ એની સાથે જોડાયેલી અનેક સામાજિક – ધાર્મિક માન્યતાઓએ આ ગૌરવને હણી નાખ્યું છે.
આમ, જુઓ તો માસિક સાથે પ્રજનન ક્રિયા જોડાયેલી છે પરંતુ માસિકની અસર સ્ત્રીનાં તન – મન પર પણ પડે છે. પહેલી વાત તો એ કે માસિક પહેલાં અને પછી સ્ત્રીના મૂડમાં ખૂબ જ પરિવર્તન આવે છે. અચાનક ગુસ્સે થવું, ચીડાવું, નિરાશ થવું એ સહજ બાબત છે પરંતુ સવાલ એ છે કે સ્ત્રીના આ મૂડને કોણ ઓળખે છે? અને કેટલાં લોકો સમજે છે? યુવાન દીકરી અચાનક અકળાઇ જાય ત્યારે પેરન્ટસને થાય છે કે એ ઉધ્ધત બની છે, એને નાના – મોટાનું ભાન નથી… વાસ્તવમાં આ સમયે એને ચાર સારા શબ્દો અને વ્હાલની જરૂર હોય છે. સો, ઘરની સ્ત્રીના આ સમયે થતા મૂડ ઓન – ઓફ અંગે થોડા સજાગ અને સંવેદનશીલ બનો. ઉપદેશ આપવાને બદલે એને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરો.
બીજું, માસિક સાથે શારીરિક પીડા પણ જોડાયેલી છે. વીકનેસ, પેટમાં દુખવું, કમર દુખવી, વોમીટ થવી કે ઉબકા આવવા… એ સહજ લક્ષણો છે. એ અનેક સ્ત્રીઓને થાય છે એટલે ઇગ્નોર થાય છે. એ તો દરેકને થાય એમાં શું? આ માનસિકતા બદલવાની જરૂર છે. જયારે શારીરિક પીડાને અવગણવામાં આવે ત્યારે માનસિક પીડા શરૂ થાય છે તેથી આ લક્ષણોમાં થોડી પણ ગરબડ જોવા મળે તો ગાયનેકને મળવું જોઇએ. માસિક સાથે જોડાયેલી અગત્યની બાબત છે સ્વચ્છતા – આજે યુવતીઓ જેટલી મેક-અપ અને સ્ટાઇલ અંગે સતર્ક છે એટલી માસિક દરમ્યાનની સ્વચ્છતા અંગે નથી. હજુય અનેક સ્ત્રીઓ સેનેટરી પેડ્સને બદલે કપડાં યુઝ કરે છે.
જે બરાબર ધોવાય કે સુકાય નહીં તો ઇન્ફેકશન કરે છે. પેડ્સની કવોલિટી બરાબર ન હોય તો પણ ઇચીંગની સમસ્યા જન્મે છે. એકચ્યુઅલી દર ચાર કે છ કલાકે પેડ્સ ચેન્જ કરવા વજાઇના હાઇજીન માટે જરૂરી છે. માસિકનું લોહી અતિ સૂક્ષ્મ વાયરસને એટ્રેક કરે છે અને એની હૂંફમાં વાયરસ કે બેકટેરિયામાં અનેકગણો વધારે થાય છે જે ખંજવાળ, કાપા પડવા કે યુરિન ઇન્ફેકશનમાં પરિણમી શકે. એ જ રીતે વજાઇનાની સફાઇ પ્રોપર ન હોય તો પણ ઇન્ફેકશન થઇ શકે. આજકાલ વજાઇના હાઇજીન માટે માર્કેટમાં અનેક પ્રોડકટસ મળે છે.
પણ આ પ્રોડકટસની આજુબાજુ લોહી જામે તો એ તો નુકસાન કરે છે અને કેમિકલયુકત સોપ – લિક્વિડ પણ નુકસાન કરી શકે. એ સાથે સેનેટરી નેપકીન્સ કે ટેમ્પુન્સ યુઝ કરવાની પણ એક રીત હોય છે. જેનાથી કપડાં ન બગડે અને અનકમ્ફર્ટેબલ પણ ન લાગે. પેડ બદલ્યા વિના બીજા પેડનો ઉપયોગ પણ ઇન્ફેકશન કરી શકે. ઘણી સ્ત્રીઓ ટ્રાવેલીંગ કે ઓફિસમાં યોગ્ય સેનીટેશનની સુવિધા ન મળે તો પેડ્સ ચેન્જ કરતી નથી. કોઇની હાજરીમાં ઇમર્જન્સીમાં પેડ્સ લાવતાં શરમાય છે. ઘણી વખત કપડા બગડે તો ઓકવર્ડ ફીલ કરે છે. વાસ્તવમાં માસિક એ કુદરતી છે એ માટે શરમાવાની જરૂર નથી. દીકરી જયારે પહેલી વાર માસિકમાં આવે ત્યારે જ માતાએ આ વિશે એને શિક્ષિત કરવી જોઇએ.
આપણે ત્યાં માસિક સાથે અનેક સામાજિક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. આભડછેટ એ સ્ત્રીઓને પરેશાન કરતો મુખ્ય મુદ્દો છે. આજેય અનેક ઘરોમાં સ્ત્રીઓએ ઘરમાં એક જ જગ્યાએ બેસવું પડે છે, એ ઘરમાં કોઇ વ્યકિતને અડી શકતી નથી. એટલું જ નહીં ઘરમાં કોઇ વસ્તુનો સ્પર્શ પણ એના માટે વર્જય છે. વાસ્તવમાં કોઇ પણ સામાજિક – ધાર્મિક માન્યતાને વૈજ્ઞાનિક તર્ક પર ચકાવ્યા વિના નાદાન છોકરીને માથે ઠોકી બેસાડાય છે તેથી એ ખુદને નિગ્લેકટેડ સમજે છે. દુ:ખી થાય છે, અકળાય છે. ઘણી વખત ઘરના વડીલ સભ્યો એની સાથે ખૂબ જ કઠોર રીતે વર્તે છે.
પેલી છોકરી માંડ પોતાનાં તન-મનને મેનેજ કરવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યાં એના પર જાતજાતનાં નિયંત્રણો મુકાય એ વાજબી છે? જયાં પીરિયડ્સમાં ત્રણ દિવસ છેટા બેસવાનું હોય છે ત્યાં ઘણી વાર આ છોકરીઓને કોઇ ખાવા-પીવાનું આપનાર પણ નથી હોતું. આ સમયે શરીરને વધારે કમ્ફર્ટેબલ પથારીની જરૂર હોય ત્યારે એને પાતળી ગોદડી પર નીચે બેસાડાય છે. આ સમયે એને જોઇતી પ્રાઇવસી પણ મળતી નથી. સ્ત્રીઓ પાસે રસોઇ ન કરાવાય પણ બીજી સાફ-સફાઇ કરાવાય. જેથી એ થાકી જાય છે. આપણા અનેક ધર્મોમાં માસિકવાળી સ્ત્રી માટે પાપ-પુણ્યને જોડીને નિયમાવલિ બનાવી છે જે તે સમયે મે બી સાચી હશે પરંતુ આજે સમય બદલાયો છે.
આપણી અનેક માન્યતાઓ, રિવાજો, ધાર્મિક નિયમો અને જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે તો આ પછી આ બાબતે કેમ નહીં? માસિકને ધર્મની કેદમાં પૂર્યા વિના એ દરમ્યાન સ્ત્રીનાં હેલ્થ અને હાઇજીન જળવાય રહે, એના સહજ જીવનમાં કોઇ રૂકાવટ ન જન્મે, એ ખુદને કોન્ફિડન્ટ અને કમ્ફર્ટેબલ ફીલ કરે તથા હોર્મોનલ ચેન્જને સમજી નોર્મલ લાઇફ જીવે એવા જ પ્રયત્નો થવા જોઇએ અને એ માટે માતા જ એને સપોર્ટ કરી શકે. ખરૂં ને?
– સંપાદક