Entertainment

પ્રિયમણી બોલિવુડને ક્યારે ‘પ્રિય’ થશે ?

શ્મિકા મંદાના હિન્દી ફિલ્મની પ્રથમ પાંચ અભિનેત્રીઓમાની એક બનતાં બનતાં રહી ગઈ છે. વિત્યા વર્ષોમાં સાઉથથી જે અભિનેત્રી તેમાં સૌથી વધુ શક્યતા રશ્મિકા એજ ઊભી કરી છે એમ કહી શકાય પણ છતાં તે હજુ તેનું સ્ટેટસ મેળવી શકી નથી.તો શું એ સ્ટેટસ માટેનો દાવો પ્રિયમણી નો હોય શકે? પ્રિયમણી પોતાનો દાવો મજબૂત કરી રહી છે. તેણે હિન્દીમાં સ્થાન મેળવવાની ખેવના કરી છે અને ‘ધ ફેમિલી મેન’, ’હીસ સ્ટોરી’ અને ‘સર્વમ શક્તિ મયમ’ નામની ત્રણ વેબ સેરીઝ માં કામ કર્યું. હિન્દી ફિલ્મો માં તો તે ‘રાવણ’થી છે. મણિરત્નમની એ ફિલ્મમાં તેણે જમુનીની ભૂમિકા કરેલી અને ત્યાર પછી ‘રક્તચરિત્ર -2’ માં ભવાની તરીકે આવેલી. તેની ત્રીજી ફિલમ રોહિત શેટ્ટીની ‘ચેન્નઈ એક્સ્પ્રેસ’ હતી. ત્યાર પછી તે ‘અતીત’ માં આવી. ‘સલામ વેંકીમાં કેમિયો કર્યો અને ગયા વર્ષે શાહરૂખખાન સાથે ‘જવાન’ માં હતી. તેણે મોટા સ્ટાર્સ સાથે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું પણ મુખ્ય અભિનેત્રી તે નહોતી એટલે બધાની નજરે તે ના ચડી. પ્રિયમણી અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને બીજા અનેક પુરસ્કારો જીતી ચુકેલી અભિનેત્રી છે. તેલુગુ, મલયાલમ, તામિલ, કન્નડ ઉપરાંત અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. જો કે હિન્દી ફિલ્મોને ખૂબ સારી અભિનેત્રી જોઈતી હોતી નથી તેમને ગ્લેમરસ અભિનેત્રીનો ખપ હોય છે. પ્રિયમણી જો કે આ બાબતેય કમ નથી પણ એકદમ સેક્સી નથી. હવે તે ૩૯ની થઈ છે એટલે યોવનમાં જેવી ‘લગે પચાસી ફટકે’ દેખાય તેવી ન પણ દેખાય પણ હજુ તે કમ નથી. મામલો એટલો જ છે કે તેણે હિન્દી ફિલ્મમાં જે રીતે એન્ટ્રી લેવી જોઈએ તે રીતે લીધી નહીં. ‘ચડતી જવાની’હોય ને ‘ચાલ મસ્તાની’ હોય તો અંહી વહેલી કદર થાય છે. આ અઠવાડિયે તે ‘મેદાન’માં પાછી ફરી છે. આ એક મોડી પડેલી ફિલ્મ છે છતાં અજય દેવગણની ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રિયમણી ગ્લેમરસ દેખાય તેવી શકયતા પણ નથી કારણ કે અજય દેવગણની પત્ની તરીકે છે. મતલબ કે રોમાન્સનો તબક્કો પૂરો થાય પછીના સમયમાં છે. પ્રેક્ષકોને રોમેન્ટીક ભૂમિકામાં જોવી હોય ત્યારે તે ગૃહિણી બની છે. પ્રિયમણીને ફરીવાર વેઠવાનું આવશે. પણ ત્યાં તે થોભે તેવી નથી. કારણ કે હવે તે ‘કોટેશન ગેંગ’ માં સની દેઓલ સાથે આવવાની છે. જો કે તે પણ પૌઢ હીરો છે. ‘બ્લાઇન્ડ ગેમ’ માં અર્જુન રામપાલ સાથે આવશે જે ક્યારેય બોક્સ ઑફિસની જરૂરિયાત બની શક્યો નથી પણ હા, એ ફિલ્મ સંગીત શિવનના દિગ્દર્શનમાં બને છે તો પ્રિયમણીની ‘બ્લાઇન્ડ ગેમ’ સફળ જાય પણ ખરી. ગયા વર્ષની ‘જવાન’ પછી હમણાં જ તે ‘આર્ટિકલ ૩૭૦’ માં હતી અને લોકોને ‘સલામ વેંકી’ની પ્રિયમણી પણ યાદ આવવી જોઈએ. પ્રિયમણીને એકાદ-બે મોટી ફિલ્મ મળી હોત અને તેની પર જ આખી ફિલ્મનું ફોકસ હોત તો વધારે ફાયદો થાત અત્યારે તો તે છૂટી ગયેલા તીર જેવી લાગે છે. પણ તે મોરચો છોડે એવી નથી એટલે આવનારા સમયમાં તે વધુ ‘પ્રિય’ થશે એવી આશા રાખી શકાય. •

Most Popular

To Top