Columns

પ્રાર્થનામાં અદ્દભુત બળ છે

પભુ પ્રત્યેની પ્રાર્થનામાં અદ્દભુત બળ રહેલું છે એમ સહુ માને છે અને પ્રાર્થનાથી થયેલી અસરના પણ ઘણા દાખલા છે. દુઆઓમાં અસર હોય છે પણ દુઆ સાચા હૃદયથી કરેલી હોવી જોઈએ. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ઈશ્વર કે દિવ્યચેતના જરૂર સ્વીકારે છે અને તેના ચમત્કાર પણ ઘણા અનુભવે છે. આ વાત વ્યક્તિગત અનુભવની છે અને આ લખનારે પણ અનુભવ્યું છે. એક એવો દાખલો અત્રે ટાંકવો છે. અમેરિકાના ખ્યાતનામ લેખક એપ્ટન સિંકલેર, જેમનું લેખન ખૂબ જ પ્રખ્યાત હતું. તેઓ ધર્મ કે તત્ત્વજ્ઞાનની ચર્ચામાં કદી પડતા નહીં પણ ભગવાન ઉપર તેઓને અપાર શ્રદ્ધા હતી.
તેમની પત્ની ગંભીર બીમારીમાં સપડાઈ હતી અને ધીમે ધીમે મૃત્યુ તરફ જઇ રહી હતી. આ હાલત જોઈને એપ્ટનને ચિંતા થતી. તેમણે ઘણા તબીબો પાસે પત્નીની સારવાર કરાવી હતી પણ તબીબોએ આશા છોડી દીધી હતી અને એ સ્ત્રીની બચવાની કોઇ આશા ન હતી. તેવામાં આ અંગ્રેજ લેખકે તેમની પત્ની માટે પ્રાર્થના કરવા માંડી, લેખક પાસે હવે બીજો કોઇ ઉપાય પણ ન હતો. છેલ્લા ઉપાય તરીકે ઇશ્વરને પ્રાર્થના કરવી શરૂ કરી. થોડા દિવસ થયાને પત્નીની હાલતમાં ક્રમશ: ફેરફાર જણાવા માંડયો ધર્મમાં ન માનનાર આ લેખક સંપૂર્ણ રીતે ઈશ્વરશરણ થઇ પ્રભુને સહાય કરવા વિનવી રહ્યા હતા.
બેભાન પત્ની જે દર્દ સહન કરી શકતી ન હતી તે હવે ભાનમાં આવી. વાત કરવા લાગી અને એપ્ટનની પ્રાર્થનાની અસર વર્તાવા લાગી. એમ કરતાં આખરે એ સ્ત્રી બચી ગઇ.
આ પરિણામ જોઇ ડૉકટરો પણ આશ્ચર્યમાં પડી ગયા. ડૉકટરોએ ધાર્યું ન હતું તેવું પરિણામ મળતાં એ પણ પ્રાર્થનામાં તાકાત હોવાનું માનવા લાગ્યા.
સંકટ સમયે ભગવાનને ખરા દિલથી યાદ કરો તો એ ચૈતન્ય શક્તિ તમારી મદદ કરવા હાજર જ હોય છે. શ્રદ્ધા રાખો. તમારી શ્રદ્ધા અડગ હોવી જોઈએ. પ્રાર્થના માણસને હિંમત, આશા અને મુશ્કેલીમાં રાહત જરૂર આપે છે. આને ચમત્કાર કહો કે ઇશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા, પ્રભુકૃપા પામવાનો સરળ રસ્તો પ્રાર્થના જ છે.

– દુર્ગેશ ઉપાધ્યાય

Most Popular

To Top