યુથ કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં ભ્રષ્ટાચાર હવે ખુલ્લેઆમ નજરે પડતો હોવાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર–6ના વારસિયા વિસ્તારમાંથી મોટી માત્રામાં સારા હાલતમાં રહેલા પેવર બ્લોક કચરામાં પડેલા મળી આવતા શહેરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલો વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા બહાર લાવવામાં આવ્યો છે.
પવન ગુપ્તાએ આક્ષેપ કર્યો કે એક તરફ કોર્પોરેટરોને પ્રજાલક્ષી વિકાસ માટે ફાળવવામાં આવતું બજેટ યોગ્ય રીતે વપરાતું નથી અને બીજી તરફ “માનીતાઓને ખુશ કરવા” માટે બ્લોક નાખવાના કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સારા અને ઉપયોગી પેવર બ્લોક હોવા છતાં તેને ઉખેડી કાઢી નવા બ્લોક નાખવામાં આવે છે, જે સ્પષ્ટ રીતે જનતાના વેરાના રૂપિયાનો દુરુપયોગ છે.
યુથ કોંગ્રેસ પ્રમુખે માંગ કરી કે આવા ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ, જે કોર્પોરેટરોના બજેટમાંથી જૂના પેવર બ્લોક કાઢી નવા નાખવાની મંજૂરી આપવામાં આવી છે, તેમના પર પણ વડોદરા મહાનગર પાલિકા દ્વારા તપાસ અને કાર્યવાહી કરવી જરૂરી છે.
પવન ગુપ્તાના જણાવ્યા મુજબ, જો સમયસર પગલા લેવામાં નહીં આવે તો પૂર્વ વિસ્તાર “ભ્રષ્ટાચારનું કેન્દ્ર” બની જશે. પ્રજાના વેરાના પૈસા વિકાસમાં વપરાવા જોઈએ, કચરામાં ફેંકવા માટે નહીં—એવો કડક સંદેશ તેમણે તંત્રને આપ્યો છે.