Vadodara

પૂર્વ ઝોનમાં પાણી પુરવઠા માટે ઓપરેટર-મજૂર કામે નાણાકીય મર્યાદા વધારાની દરખાસ્ત

ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ પર હોવાથી હયાત ઇજારો 31 ઓગસ્ટ સુધી લંબાવશે

હાલની મર્યાદામાં 10 લાખનો વધારો કરવા માટે સ્થાયી સમિતિ પાસેથી મંજૂરી મેળવાશે

વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં ઓપરેટર અને મજૂર કોન્ટ્રાક્ટ આધારિત રાખવાના કામ માટે વધુ નાણાંકીય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકાઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠા માટે વિવિધ ટાંકીઓ અને બુસ્ટીંગ સ્ટેશનો પરથી પમ્પીંગ મશીનરી ચલાવવા માનવબળ જરૂરી છે. હાલ વિભાગ પાસે કાયમી સ્ટાફ પૂરતો ન હોવાથી ઇજારાથી ઓપરેટર તથા મજૂર લેવાયા છે. વર્ષ 2024માં આ કામગીરી માટે M/s. Vital Facilities Pvt. Ltd.ને રૂ.140 લાખની નાણાંકીય મર્યાદામાં કામ સોંપાયું હતું. ત્યારબાદ જરૂરીયાતને ધ્યાનમાં લઈને આ મર્યાદા વધારીને રૂ.180 લાખ કરવામાં આવી હતી. હાલની વ્યવસ્થા હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ છે. ટેન્ડર પ્રક્રિયામાં વધુ સમય લાગે તેવી સંભાવના છે, જેના કારણે હાલની મર્યાદા 31 ઑગસ્ટ 2025 સુધી પૂરતી રહે તેવી ધારણા વ્યક્ત થઈ છે.

શહેરના પૂર્વ ઝોનમાં પાણી પુરવઠાની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે વિભાગ દ્વારા હાલની મર્યાદામાં રૂ.10 લાખનો વધારો કરી કુલ રૂ.190 લાખ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. જો સમિતિ આ દરખાસ્તને મંજૂરી આપશે તો આગામી સમયમાં પાણી પુરવઠાની કામગીરી માટે માનવબળ ઉપલબ્ધ રહેશે અને પમ્પીંગ સ્ટેશનો તથા ટાંકીઓ પરથી પાણી પુરવઠા સુચારૂ રીતે ચાલુ રહી શકશે. હાલના પરિસ્થિતિમાં નક્કી સમયગાળામાં નવા ટેન્ડર પૂર્ણ થવામાં સમય લાગશે ત્યાં સુધી આ વ્યવસ્થા મદદરૂપ સાબિત થશે.

સાતમા પ્રયત્ને વિટલ ફેસિલિટીને જ ઇજારો મળ્યો

વડોદરા મહાનગરપાલિકા નવા ટેન્ડરની જાહેરાતમાં છ વખત પ્રયત્ન કરવા છતાં પણ સફળ થઈ ન હતી. હવે સાતમા પ્રયત્ને પ્રક્રિયા હાથ ધરાતાં વિટલ ફેસિલિટીને જ ઇજારો મળ્યો છે. ખાસ વાત એ છે કે અગાઉ છ વખત પ્રયત્ન કર્યા છતાં ઇજારદારો મળી શક્યા ન હતા. હાલ આ ટેન્ડરની સ્ક્રૂટિની કમિટી સમક્ષ સમીક્ષા ચાલી રહી છે.

Most Popular

To Top