ડભોઇ–તિલકવાડા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત
રસ્તો ઓળંગતી વખતે અકસ્માત, સ્થળ પર જ મોત
ડભોઇ:!ડભોઇ–તિલકવાડા માર્ગ પર ચૌતરિયાપીર દરગાહ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે એક આધેડ પરપ્રાંતીય શ્રમજીવી મહિલાનું અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે મહિલા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે પુરઝડપે પસાર થતા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધી હતી.
પરપ્રાંતીય શ્રમજીવી દંપતીની કરુણ ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ, ડભોઇ–તિલકવાડા માર્ગ પર ચૌતરિયા પીરની દરગાહ નજીક નર્મદા કેનાલ પાસે શિવાભાઈ રબારીના કુવા પાસે મધ્યપ્રદેશના આદિવાસી મજૂરો વસવાટ કરે છે. અહીં રહી મજૂરી કરતા હબુરીયાભાઈ છગનભાઈ તડવી (ઉંમર 58) અને નુરલીબેન હબુરીયાભાઈ તડવી (ઉંમર 55) દંપતી પૈકી નુરલીબેન તડવી અંધારા સમયે પોતાના પતિ માટે વિમલ ગુટખા લેવા રસ્તો ઓળંગી ગઈ હતી.
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
વિમલ લઈ પરત ફરતી વખતે ફરીથી રસ્તો ઓળંગતી નુરલીબેન તડવીને પુરઝડપે આવેલા અજાણ્યા વાહને અડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાનું માથું કચડાઈ જવું, કમર તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ડભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાની ઓળખ છતી કરી હતી. પતિની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અહેવાલ: સઈદ મનસુરી, ડભોઇ