Vadodara

નેતાઓની જાહેર આક્ષેપબાજીથી શહેર પ્રમુખ અકળાયા

મેયર પિન્કી સોનીના આક્ષેપોથી રાજકીય ગરમાટો

એકબીજા પર આક્ષેપો ન કરી વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રમુખની તાકીદ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પિન્કી સોની દ્વારા જાહેરમાં ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી અને કમિશ્નર દિલીપ રાણાને લઈને કરાયેલા આક્ષેપો રાજકીય ગરમાવો લાવનારા સાબિત થયા છે. આ બાબતે પાર્ટીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ તમામ નેતાઓને તાકીદ કરી છે કે, જાહેરમાં આક્ષેપબાજી ટાળવી જોઈએ. ગત સાંજે શહેર ભાજપની ઓફિસમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા અને દંડકની બેઠક બોલાવવામાં આવી હતી. અહીં પ્રમુખે સ્પષ્ટ સૂચના આપી કે, “શહેરના વિકાસ કામો પર ધ્યાન કેન્દ્રિત કરવું, ન કે એકબીજા પર આક્ષેપો કરવા.” તેમનું માનવું છે કે, મહત્વના પ્રોજેક્ટ, ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ, ચાલુ હોવા છતાં નેતાઓની આક્ષેપબાજી અનિચ્છનીય છે. જો કોઈ સમસ્યા હોય, તો તે પાર્ટી સમક્ષ રજૂ કરવી જોઈએ, જાહેરમાં તકલીફો વ્યક્ત કરવાથી વિવાદ ઊભા થાય છે. મેયર દ્વારા જે પ્રકારે છેલ્લા બે દિવસમાં જાહેરમાં આક્ષેપબાજી કરાઈ એનાથી શહેર ભાજપ પ્રમુખ ભારે નારાજ થયા હતા. પ્રમખે મેયર પિન્કી સોનીને ખખડાવ્યા અને આ પ્રકારે જાહેરમાં નિવેદનો ન કરવા સૂચના આપી હતી અને સાથે જ જો કોઈ સમસ્યા હોય તો પાર્ટી સમક્ષ રજૂઆત કરવા કહ્યું હતું. વધુમાં શહેર ભાજપ પ્રમુખે અન્ય પદાધિકારીઓને પણ કડક સૂચના આપી એકબીજા પર આક્ષેપબાજી અને જાહેરમાં નિવેદનો ન કરવા કડક સૂચના આપી અને શહેરમાં ચાલતા હાલ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર ધ્યાન આપવા કહ્યું હતું.


પિન્કી સોનીની અવગણનાની ફરીયાદ કે રાજકીય નાટક?

મેયર પિન્કી સોનીએ જાહેરમાં ફરિયાદ કરી કે, “મારી અવગણના થાય છે,” અને વિશિષ્ટ ઉદાહરણો આપ્યા કે જેમાં તેમને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. તેઓએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ, આજવા-પ્રતાપપુરા સરોવર ખાતમુહૂર્ત અને અન્ય કાર્યક્રમોમાં તેમને તાકીદભર્યું સ્થાન ન મળ્યું હોવાનો આક્ષેપ કર્યો. હાલમાં શહેર ભાજપના આંતરિક વલણો અંગે પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક સભ્યો માની રહ્યા છે કે, મેયર આ કાર્યક્રમોમાં હાજર પણ રહ્યા હતા અને તેમના હસ્તે જ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, તો હવે અચાનક આવા આક્ષેપો શા માટે? કેટલાકનું માનવું છે કે, “જો દોઢ વર્ષથી તકલીફ હતી, તો પહેલાં રજૂઆત કેમ ન કરી?”

શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીના સૂચનો બેઅસર

આ વિવાદ દરમિયાન એક મહત્વનો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું નવા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીના સૂચનો નેતાઓ ઘોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સતત સંકેતો આપ્યા છતાં પણ નેતાઓ જાહેરમાં નિવેદનો આપતા જ રહે છે. જો આવા મુદ્દાઓ પાર્ટી મંચ પર ઉકેલી શકાય, તો જાહેરમાં આક્ષેપો અને રાજકીય કથિત ઉથલપાથલ શા માટે થઈ રહી છે? આખરે, વડોદરા શહેર ભાજપમાં આ તંગદિલીનો નિકાલ શા માટે નથી થતો.

Most Popular

To Top