(પ્રતિનિધિ) નડિયાદ, તા.1
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સંતરામેશ્વર મહાદેવ મંદિર પાસેની મહાનગરપાલિકાની પાણીની ટાંકીમાંથી આવતી પાણીની લાઈનમાં વારંવાર ગંભીર બેદરકારી સામે આવી રહી છે. એક જ સપ્તાહમાં આ જ લાઈનના અલગ-અલગ પોઈન્ટ પરથી બે વખત મૃત કબૂતર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આજે રઘુકૃપા કોલોનીમાં પાણીમાં તીવ્ર દુર્ગંધ આવતા રહેવાસીઓએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે મનપાની ટીમે વિસ્તારના મુખ્ય પાણીના પોઈન્ટને ખોલીને તપાસ કરતાં અંદરથી એક મૃત કબૂતર મળી આવ્યું હતું. આ ઘટના બાદ રઘુવીર કોલોનીના 60થી વધુ મકાનોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ઘટનાથી મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની ટાંકીમાં ક્લોરીનેશન માટે એક ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેના કારણે કબૂતરો અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આ પ્રકારના બનાવો બની રહ્યા છે. આ ઘટના મહાનગરપાલિકાની બેદરકારીને સ્પષ્ટ દર્શાવે છે. જીવનની સૌથી અગત્યની જરૂરિયાત એવા સ્વચ્છ પાણી પૂરું પાડવામાં મનપાની આ બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક આ સમસ્યાનું યોગ્ય અને કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે.