Vadodara

નડિયાદમાં બિલ્ડરે ગેરકાયદે ફ્લેટ ભાગીદારને આપ્યો

નડિયાદ, તા.9
નડિયાદ પાલિકામાં બોગસ નક્શાનું ભૂત ધુણ્યું છે. શહેરમાં હાર્દસ વિસ્તારમાં કરાયેલા એક બાંધકામમાં ખોટા નક્શાના આધારે ઉપર વધારાના 2 માળ બાંધી અને કરોડો રૂપિયામાં તે પૈકીના ફ્લેટો વેચી મારવામાં આવ્યા છે. જ્યારે આ મામલે બિલ્ડર્સ ગ્રુપ વચ્ચે આંતરીક વિવાદ થયો, તે બાદ ભાગીદારોને આ બોગસ નક્શા પૈકીના ફ્લેટ આપ્યા અને આખો વિવાદ સામે આવ્યો હતો.
નડિયાદ નગરપાલિકાના નામનો ગેરકાયદેસર કારોબારી ઠરાવ દર્શાવતો એક બોગસ દસ્તાવેજ બનવા અંગેની તપાસ પણ શરૂ થઈ નથી, ત્યાં હવે નગરપાલિકાના નામના જ બોગસ નક્શાઓનું મોટુ રેકેટ સામે આવ્યુ છે. નડિયાદમાં 27મી ડીસેમ્બરે રવિ એસોસિએટ્સના બિલ્ડર અનેશ શાહ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. જેમાં તેણે ખોટો સરકારી રેકર્ડ ઉભો કર્યો હોવાની કલમો લાગી છે. આ મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે, જે-તે સમયે નડિયાદ નગરપાલિકામાં અનેશ શાહે 3 માળની મંજૂરી મેળવી સ્વપ્નીલ રેસીડન્સીનું બાંધકામ કર્યુ હતુ. નગરપાલિકામાં આ સ્વપ્નીલ રેસીડન્સીના માત્ર 3 માળનો જ નક્શો મંજૂર થયો છે. તેવા સંજોગોમાં સ્થળ પર આ બિલ્ડર અનેશ શાહે 3 માળની બદલે 5 માળનું બાંધકામ કરી દીધુ છે. તેમજ આ ઉપરના વધારાના બાંધકામ કરાયેલા 2 માળના ખોટા નક્શા નડિયાદ નગરપાલિકાના જે-તે સમયના ટાઉન પ્લાનર સહિતના કર્મચારીઓ સાથેના મેળાપીપણામાં ઉભા કરાયા હતા. આ નક્શા નડિયાદ નગરપાલિકાના સત્તાવાર કોઈ રેકર્ડ પર ઉપલ્બ્ધ નથી. આ અંગે જ્યારે રવિ એસોસિએટ્સના અન્ય 2 ભાગીદારોએ તબક્કાવાર ફરીયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલો ઉજાગર થયો છે. જેમાં અગાઉ જે હેતલબેન શાહે પોતાના ભાગીદાર સાથે ભાગીદારી પૂર્ણ કરી બાદ આ અંગે ફરીયાદ નોંધાવી હતી. જેમાં નડિયાદ ટાઉન પોલીસે નગરપાલિકા પાસે રેકર્ડ માંગતા, નગરપાલિકા માત્ર 3 માળના બાંધકામના નક્શા રજૂ કરી શકી છે. આ વચ્ચે અન્ય એક ભાગીદાર ચંદ્રકાંત શાહના પત્ની નયનાબેન પટેલે ગઈ 27મી ડિસેમ્બરે આ અનેશ શાહ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે મુજબ રવિ એસોસીએટ્સ 3 બિલ્ડર્સ દ્વારા ઉભુ કરાયુ હતુ. જેમાં અનેશ શાહ, ચંદ્રેશ પટેલ અને હેતલબેન શાહ ત્રણેયની ભાગીદારી હતી. જો કે, આંતરીક વિખવાદો થતા ચંદ્રેશ પટેલ અને હેતલ શાહે ભાગીદારીમાંથી છૂટા પડવાનું નક્કી કર્યુ હતુ. તો આ સાથે જ ભાગીદારીમાંથી છૂટા પડતા સમયે પૈસાની વહેંચણીમાં અનેશ શાહે સ્વપ્નીલ રેસીડન્સી જે ત્રણેય ભાગીદારોના ભાગમાં બનાવાઈ હતી, તેમાંથી ચોથા ને પાંચમા માળે ફ્લેટ આપવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ જ્યારે અન્ય 2 બિલ્ડર્સે આ ફ્લેટની સત્યતા તપાસી, ત્યારે તેમાં પોતાની જ ખોટી સહીયો કરી અને આ ઉપરના 2 માળનું ગેરકાયદે બાંધકામ કર્યાનું ખુલ્યુ હતુ.

Most Popular

To Top