ઉમેદવારો દ્વારા કરાયેલી અરજી બાદ હાઇકોર્ટનો હુકમ થતા નિર્ણય લેવાયો :
ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા હજારો ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરાઈ છે. ફરીથી નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભરતી સ્થગિત કરાઈ છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સક્કારે આ નિર્ણય લીધો છે. બે દિવસની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક ભરતી સ્થગિત કરાતા ઉમેદવારોમાં ક્યાંક નિરાશા તો ક્યાંક રાહત જોવા મળી છે. નવી જિલ્લા પસંદગીની તારીખ અંગે ટૂંક સમયમાં ફરી જાહેરાત કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાને પડકારતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી કરનારા ઉમેદવારો એવા હતા. જેઓ એમએસસી અભ્યાસની સાથે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હતા. તેમને આ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભરતી પ્રક્રિયામાં કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા નથી અથવા તો તેમના હિતોને અસર થઇ રહી છે. હાઈકોર્ટે આ અરજીને ધ્યાનમાં લઈને ભરતી પ્રક્રિયા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે ભરતી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ નિર્ણયને કારણે ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા હજારો ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ઘણા ઉમેદવારોએ જિલ્લા પસંદગી પણ કરી લીધી હતી. હવે તેમને નવી તારીખની રાહ જોવી પડશે. શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા અંગેની નવી જાહેરાત કરવામાં આવશે.