વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે આજે વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ આવનાર 100 દિવસ સુધી ચાલુ રહેશે, અને શાસકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી શહેરને પૂરમુક્ત બનાવવામાં સફળતા મળશે. આ તકે માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે આકરા સંકેતો આપ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોન્ટ્રાક્ટરો તેમના કામમાં ઢીલાશ રાખે, તો તેમના પર ભારે દંડ ફટકારવા જોઈએ. તેઓએ જણાવ્યું કે, “હવે કોન્ટ્રાક્ટરોની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે, અને જે પ્રોજેક્ટ હાથ ધરાયો છે, તેનુ સંપૂર્ણતઃ અમલ કરાવાશે.” ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યુ કે, વિશ્વામિત્રી નદીની સમસ્યા છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી આવી છે. વર્ષ 1996 થી અનેક વખત મીટિંગોમાં આ પ્રોજેક્ટને લઈને ચર્ચા થઇ છે. નોંધનીય છે કે ગત વર્ષે આવેલા પૂર દરમિયાન ઘણા નવા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. વેપારીઓ અને નાગરિકોએ આ મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો, અને સરકારને યોગ્ય પગલા લેવા મજબૂર કર્યા હતા.
વડોદરા શહેરના પૂર પ્રતિકાર પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂ. 1,100 કરોડ મંજૂર કર્યા છે, પરંતુ યોગેશ પટેલનું માનવું છે કે આ પ્રોજેક્ટ માટે 4,000 કરોડ જેટલી રકમની જરૂર પડી શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ખાલી વિશ્વામિત્રી નદીની પહોળાઈ વધારવાથી પૂરની સમસ્યાનું સમાધાન નહીં થાય, પરંતું સાથે જ નવા તળાવો બનાવવા પડશે, નદીની પહોળાઈ વધારવી પડશે, આજવા અને પ્રતાપપુરા સરોવર પર પણ વિશેષ કામ કરવું પડશે. તેમણે કહ્યું કે આ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.