ગાંધીનગર: ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, સરકારની દારૂબંધીની નીતિ દંભી છે, છૂટ આપવી હોય તો આખા ગુજરાતમાં આપો. રાજ્યમાં હાલમાં દારૂબંધીની નીતિ સંપૂર્ણ નિષ્ફળ છે. દારૂબંધી હટાવવાથી ગુજરાતનું યુવાધન બરબાદ નહીં થાય, હાલમાં દારૂબંધીની નીતિને કારણે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. સરકારે એવી નીતિ લાવવી જોઈએ કે, ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય, ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ન હોવી જોઈએ. આખા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ. મહાત્મા મંદિર, ધોલેરા સર, ઘોરડોમાં પણ દારૂની છૂટ આપો, દારૂની છૂટ આપશો તો લોકોને સારો દારૂ પીવા મળશે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે, હવે ત્યાં દારૂ વેચાશે, લોકો દારૂ પીશે, મહાત્મા ગાંધીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ હોવાને કારણે દારૂથી અળગા રહ્યા છે. દારૂબંધી હટાવવાથી ગુજરાતને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે, તેવું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોરે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ પીવાની છૂટછાટ યોગ્ય નથી. આ નિર્ણય પછી જો ગુજરાતના કોઈપણ ખૂણેથી દારૂ પીને કોઈ નીકળશે, તો તેના મોઢે એક વાત આવશે, અમે ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ દારૂની છૂટ મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ શા માટે? દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા જોખમાશે અને હપ્તાખોરીને કારણે ગુજરાતમાં દારૂની રેલમછેલ થશે. ગાંધીના ગુજરાતમાં હવે દારૂની હાટડીઓ ધમધમશે.
ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ આપવી તે ગુજરાત માટે કલંકિત કરતી ઘટના છે. આ ગુજરાતની અસ્મિતાનું અપમાન કહી શકાય તેવી પરિસ્થિતિ ઉભી થવા જઈ રહી છે, તેવું બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું.
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં લીકરના સેવન માટે મુક્તિ ઉપર તાત્કાલિક રોક લગાવવા માગણી કરી છે. તેઓએ પત્રમાં રજૂઆત કરતા કહ્યું છે કે, દારૂની પરમીટ આપવાના કારણે ગુજરાતની જનતાની લાગણી દુભાઇ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સીટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારી, અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતેના મુલાકાતીઓને દારૂના સેવન માટેની મુક્તિ પર રોક લગાવવામાં આવે.
દારૂની છૂટ આખા ગુજરાતમાં આપો, લોકોને સારો દારૂ પીવા મળશે: શંકરસિંહ વાઘેલા
By
Posted on