Columns

તમારું બાળક ઘરમાં એકલું રહેતું હોય ત્યારે..

એક જમાનો હતો જ્યારે મોટાભાગના બાળકો પોતાના દાદા દાદી કે નાના નાનીની છત્રછાયામાં જ મોટા થતાં હતા. પછી ધીમે ધીમે કુટુંબો વિભક્ત થયા અને આવી મોંઘવારીમાં માતાપિતા બંનેે જોબ કરતાં હોય ત્યારે તેમને બાળકને મને કમને પણ ઘરે એકલા મૂકવાની ફરજ પડે છે ત્યારે આવા સંજોગોમાં પેરેન્ટ્સનું મન સતત બાળકની ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. કારણ કે આજે ચોરી લૂંટફાટ ઉપરાંત બાળકો સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ પણ વધી છે. જો કે પહેલા કરતાં આજે સુવિધાઓ વધી છે તેમજ આજના બાળકો પણ સ્માર્ટ બન્યા છે પરંતુ તેમ છ્તા કેટલીક સાવચેતી જરૂર રાખવી જ પડે છે. ત્યારે આજે અમે એવા કેટલાક મુદ્દાઓ ટાંકયા છે જે તમને મદદરૂપ થઈ પડશે.

કેટલા સમય માટે એકલું રહે છે
કેટલાક પેરેન્ટ્સ એવા હોય છે કે તેમની જોબનો ટાઈમ અને બાળકની સ્કૂલ કે ટ્યુશનના ટાઈમ વચ્ચે ખાસ અંતર હોતું નથી જેથી બાળકોએ વધુ સમય એકલા રહેવું પડતું નથી પણ કેટલાક બાળકોએ આખો દિવસ ઘરમાં એકલા જ રહેવું પડે છે ત્યારે એ સમય દરમિયાન તેની ખાવા પીવાની, અભ્યાસની કે આરામની દિનચર્યા વ્યવસ્થિત જળવાઈ રહે એ મુજબ ટાઈમ ટેબલ નક્કી કરવું જોઈએ અને તેનું પાલન થાય છે કે નહીં તે ચેક કરતાં રહેવું જોઈએ.

સતત સંપર્કમાં રહો
આજે તો બાળક 2 વર્ષનું થાય ત્યાં જ તેને કિંડર ગાર્ડનમાં મૂકવાની વેતરણ શરૂ થઈ જાય છે, પણ તેમ છતાં એ સમય બાદ પણ જો તેણે એકલા રહેવાનુ આવે તો વધુ સમય તેને એકલું ન રાખો. કારણ કે આટલા નાનાં બાળકમાં એટલી સમજ નથી હોતી કે પોતાને સાચવી શકે, પણ જેટલા સમય માટે પણ એ એકલું હોય ત્યારે તમે પહોંચો નહીં ત્યાં સુધી કોઈ ને કોઈ બહાને એની સાથે ફોન પર વાત ચાલુ રાખો જેથી તમને જાણ રહેશે કે એ અત્યારે શું કરી રહ્યું છે.
બાળક સ્કૂલ કે ટ્યુશનથી આવીને એકલું રહેતું હોય તો તેના આવવાના સમયે ચેક કરી લો કે તે ઘરે હેમખેમ પહોચી ગયું કે નહીં. તેની સાથે સંપર્કમાં રહી શકો એ માટે તેને ફોન આપવો જરૂરી છે.આ ઉપરાંત પડોશીનો નંબર પણ સાથે રાખો જેથી ક્યારેક કોઈ સંજોગોમાં બાળકનો ફોન બંધ હોય કે કોઈ ઈમરજન્સી હોય તો પડોશીની મદદ લઈ શકાય.

સેલ્ફ ડિફેન્સ શીખવો
આજકાલ તો છાશવારે બાળકોના અપહરણ અને દુષ્કર્મના કિસ્સાઓની નવાઈ નથી, ક્યારેક ભરોસાપાત્ર વ્યક્તિ પણ મોટું નુકશાન પહોંચાડી શકે છે, જેથી જે સમયે તમે હાજર નથી ત્યારે પોતાની સુરક્ષા તે કરી શકે એ માટે તેને કેટલીક બાબતો વાતો દ્વારા પણ સમજાવી શકો અથવા તો શક્ય હોય તો બાળકની ઉંમરના હિસાબે કરાટેના કેટલાક સ્ટેપ્સની ટ્રેનીંગ પણ અપાવી શકો છો જે તેને ઇમરજન્સીમાં મદદ રૂપ થઈ પડશે.

ખાવાપીવાનું ધ્યાન રાખવું
બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય ખોરાક જરૂરી છે પણ આજકાલના બાળકોને જંક ફૂડ વધારે પસંદ છે જેથી ક્યારેક આવી વસ્તુઓ જરૂર ખવડાવો પણ ઘરમાં સ્ટોર કરીને ન રાખો જેથી તે આખો દિવસ તમારું બાળક
એકલું હોય ત્યારે આવી જ વસ્તુઓથી પેટ ન ભારે. જમવા ઉપરાંત સીંગ-ચણા, ચીકી,મમરા, ખાખરા જેવો હેલ્ધી નાસ્તો ઘરમાં એવી જગ્યા પર રાખો જેથી તેને ભૂખ લાગે ત્યારે તે સહેલાઇથી લઈને ખાઈ શકે. ક્યારેય વાસી કે ખુલ્લો ખોરાક ઘરમાં મૂકીને ન જાઓ નહિતર એવો ખોરાક ખાવાથી બાળકના આરોગ્ય માટે ખતરો ઊભો થઈ શકે છે.

સિક્યુરિટી
બાળકને ફોન પર ખબર અંતર પૂછતા રહેવું એ જ સિક્યુરિટી નથી, પણ તે સેફ રહે એ પણ જરૂરી છે. સૌ પ્રથમ તો તમે વિશ્વાસુ પાડોશી સિવાય વધારે ઢંઢેરો ન પીટો કે તમારું બાળક ઘરે એકલું રહે છે, ને દીકરી હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખો.કારણ કે આ તકનો લાભ લઈને તેની સાથે ન બનવાનું પણ બની શકે છે. ઘરની એક ચાવી હંમેશા તમારી પાસે રાખો. દીકરો કે દીકરી તમારી ગેરહાજરીમાં કોઈ એવા ઇલેક્ટ્રીક સાધનનો ઉપયોગ ન કરે જે જોખમી હોય.આ સિવાય પણ દરેકના ઘરમાં ફિનાઇલ, એસિડ તથા કોક્રોચ તથા મચ્છર વગેરે મારવા માટેની જંતુનાશક દવાઓ હોય છે જે બાળકની પહોંચથી દૂર રાખો. આ ઉપરાંત તમારી ગેરહાજરીમાં બાળકને કોઈપણ ઘરે આવે એના માટે દરવાજો ખોલવાની સખત મનાઈ ફરમાવો.

અભ્યાસમાં ધ્યાન આપો
બાળક સ્કૂલે તો જાય જ સાથે જ ઘણા બાળકો ટ્યુશન પણ જતાં હોય છે પણ ખાલી એના ભરોસે ન રહેતા તેઓ ત્યાં બરાબર અભ્યાસ કરે છે કે નહીં એ જોવા માટે તેમની નોટબુક્સ ચેક કરતાં રહેવું તથા ક્લાસ ટીચર કે ટ્યુશન ટીચર સાથે પણ સંપર્ક કરીને જાણવું જરૂરી છે. કોરોનાકાળ દરમિયાન ફરજિયાત ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી જેથી બાળકોને પણ મોબાઇલમા અભ્યાસ કરવાની આદત પડી ગઈ હતી, જેના કારણે આજે પણ કેટલાક બાળકો મોબાઇલમા અભ્યાસ કરતાં હોવાનું જણાવી ગેમ્સ રમતા હોય કે અવનવા વિડીયો જોતાં હોય છે ત્યારે જો તમે બાળકને સેફ્ટી માટે ફોન આપ્યો છે તો તેમાં ચાઇલ્ડ લોક કરીને રાખો તેમજ તે તમારી ગેરહાજરીમાં શું જુએ છે તે અંગે હિસ્ટ્રીમાં ચેક કરતાં રહો.

ભરોસો રાખો
બાળકને સૌથી વધુ ભરોસો પોતાના માતપિતા પર હોય છે, જેથી એને જેટલો ભરોસો તમારા પર છે એટલો જ ભરોસો તમે પણ એના પર કરો છો એવો વિશ્વાસ અપાવો જેથી એ દિવસ દરમિયાનની દરેક ઘટનાની વાત ખૂલીને તમારી સામે કરી શકશે. જેના કારણે તમે બાળકની વધુ નજીક પણ આવી શકશો અને જો તેની સાથે કઈક ખોટું થઈ રહ્યું હોય કે શક્યતા હોય તો તેને તમે અગાઉથી જ અટકાવી શકો.

Most Popular

To Top