Vadodara

ડભોઈમાં પક્ષના ગૌરવનું અપમાન, કચરાના ઢગલામાંથી મળ્યા ભાજપના ઝંડા, કાર્યકરોમાં ભારે આક્રોશ

નર્મદા કોલોની પાસે કેસરિયા ધ્વજની દુર્દશા જોઈ પાયાના કાર્યકરોની આંખો ભરાઈ આવી, ષડયંત્ર કે બેદરકારી ? તપાસની પ્રબળ માંગ

(પ્રતિનિધિ), વડોદરા. તા.7

ડભોઈ પંથકમાં ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં, પક્ષની શાન ગણાતા કેસરિયા ઝંડાઓ કચરાના ઢગલામાં રઝળતા જોવા મળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ડભોઈના નાનોદી ભાગોળ વિસ્તારમાં નર્મદા કોલોની પાસે આવેલી જાહેર કચરાપેટીમાં આજે સવારે ભાજપના અસંખ્ય ઝંડાઓ ગંદકી વચ્ચે પડેલા જોવા મળ્યા હતા. આ જોઈને પક્ષ પ્રત્યે અતૂટ નિષ્ઠા ધરાવતા કાર્યકરોમાં ભારે રોષ અને નારાજગીની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે ડભોઈમાં આ પ્રકારની ઘટના કોઈ પહેલીવાર નથી બની. અગાઉ પણ પક્ષના ઝંડા આ રીતે બિનવારસી હાલતમાં કચરામાંથી મળી આવ્યા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સંગઠન કે જવાબદારો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે કાર્યકરોમાં એવી ચર્ચા છે કે શું પક્ષના જ કોઈ જવાબદાર વ્યક્તિઓ આ બાબતે ગંભીર નથી ? આ ઝંડા કચરામાં કોણે ફેંક્યા તે હવે મોટો તપાસનો વિષય બન્યો છે. સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શું આ કોઈ વિરોધ પક્ષનું પક્ષને બદનામ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર છે ? શું પક્ષના જ કોઈ પદાધિકારી કે કાર્યકરની આ ઘોર બેદરકારી છે ? શું કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા સજાવટ ઉતાર્યા બાદ તેને યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે કચરામાં ફેંકી દેવાયા છે ? હાલમાં આ મુદ્દો સમગ્ર ડભોઈમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોની માંગ છે કે જો ભાજપ સંગઠન ખરેખર ગંભીર હોય, તો આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને સ્થાનિક પૂછપરછ કરીને સત્ય બહાર લાવવું જોઈએ. પક્ષની છબી ખરડવા માટે આ કૃત્ય જાણીજોઈને કરાયું છે કે અજાણતા, તે તપાસ પછી જ સ્પષ્ટ થશે. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું મોવડી મંડળ આ મામલે કડક વલણ અપનાવે છે કે પછી અગાઉની જેમ આ ઘટના પર પણ પડદો પાડી દેવામાં આવશે.

Most Popular

To Top