શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ અને રાજૌરી જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ છ આતંકી ઠાર મરાયા છે. કુલગામમાં ગુરુવાર રાતથી એન્કાઉન્ટર ચાલુ હતું જ્યારે રાજૌરીમાં દળોની સંયુક્ત ટીમે શુક્રવારે સવારે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક આતંકી માર્યો ગયો હતો. હાલમાં શિયાળો શરૂ થયો છે અને બરફ વર્ષા પડી રહી છે જેના કારણે તેનો લાભ લઇને સીમાપારથી આતંકવાદીઓ ભાંગફોડની પ્રવૃતિ કરવા ભારતમાં ઘૂસી આવતા હોય છે. જો કે, છેલ્લા બે વર્ષથી ભારતે જે ઓપરેશન ઓલઆઉટ ચાલુ કર્યું છે તે એકપણ આતંકવાદી બચે નહીં ત્યાં સુધી ચાલુ
રાખવું જોઇએ. લગભગ 18 કલાકની અથડામણના અંતે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોને શુક્રવારે વહેલી સવારે લશ્કર-એ-તોયબાના પાંચ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી.
આતંકગીઓના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને સંપૂર્ણ વિસ્તારને સેનિટાઈઝ કરાયો છે. ડ્રોન ફૂટેજની મદદથી માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ શોધવામાં આવ્યા હતા. ગુરુવારે કુલગામ જિલ્લામાં આતંકીઓની હાજરીની માહિતી મળતા કુલગામના નેહામા ગામને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સમયે આતંકીઓએ સુરક્ષા દળના જવાનો પર ખુલ્લેઆમ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ચુસ્ત રીતે કોર્ડન કરી રાખ્યો હોવાથી આતંકીઓ ફસાઈ ગયા હતા. જોકે, શુક્રવારે વહેલી સવારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.
સુરક્ષા દળોએ વળતો જવાબ આપતા આતંકીઓ છુપાયા હતા તે ઘરમાં આગ લાગી હતી, જેથી આતંકીઓએ બહાર આવવા ફરજ પડી હતી અને આ અથડામણમાં પાંચ આતંકી માર્યા ગયા હતા. સામનો ગામમાં આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું. દક્ષિણ કાશ્મીર રેન્જના ડીઆઈજી રઈસ ભટે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકીઓ ગયા વર્ષે શોપિયાંમાં કાશ્મીરી પંડિત સોનુ ભટ, શોપિયાંમાં હીરાપોરા બટગુંડમાં એક લઘુમતી, વાટ્ટુ કીગામમાં કોર્ડન પાર્ટી તથા આ વર્ષના પ્રારંભમાં ગાગ્રનમાં બિન-સ્થાનિક મજૂરો પર હુમલામાં સંડોવાયેલા હતા.
આ આતંકીઓ લઘુમતીઓ પર અનેક હુમલામાં સંડોવાયેલા હોવાથી સુરક્ષા દળોને શુક્રવારે મોટી સફળતા મળી છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ચાર એકે સિરિઝની રાઈફલ્સ, ચાર ગ્રેનેડ્સ અને બે પિસ્તોલ સહિત હથિયારો અને શસ્ત્ર સરંજામ મળી આવ્યા હતા. દરમિયાન રાજૌરીમાં પણ સુરક્ષા દળોને આતંકી છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળતા આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બુધાલ પોલીસ સ્ટેશનના બેહરોટ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. તેની પાસેથી એક એકે-૪૭ રાઈફલ, ત્રણ મેગેઝીન, ત્રણ ગ્રેનેડ્સ અને એક પાઉચ મળી આવ્યા હતા.
આ એવા આતંકવાદી છે જેઓ ટારગેટ કિલિંગમાં સંડોવાયેલા છે. હાલમાં ભારત જે રીતે પુનર્વસનની યોજના જમ્મુ કાશ્મીર માટે અમલમાં લાવી રહી છે તેના માટે ટારગેટ કિલિંગ જોખમી પાસુ છે. તેઓ જમ્મુ કાશ્મીરમાં કામ કરતાં અન્ય રાજ્યના કામદારોને ટારગેટ કરીને તેમની હત્યા કરી નાંખતા હોય છે. જેના કારણે અન્ય કામદારો જમ્મુ અને કાશ્મીરમાં આવતા ગભરાઇ. માત્ર અન્ય રાજ્યના જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના કાશ્મીરી પંડિતોને પણ તેઓ આતંકવાદનો ભોગ બનાવીને ડરનો માહોલ ઊભો કરવા ઇચ્છે છે. જેથી ભારત જે રીતે જમ્મુ કાશ્મીરમાં લોકોને વસાવવા માગે છે તેમાં તે સફળ થાય નહીં.
જો કે, આ બાબતે ભારતીય એજન્સીઓ પણ સક્રિય છે. તો બીજી તરફ છેલ્લા બે વર્ષથી ભારતની સેનાએ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ સાથે મળીને ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે જે અંતર્ગત પણ આતંકવાદીઓની ગતિવિધિ ઉપર નજર નાંખી તેઓ કોઇ અનિચ્છનીય બનાવને અંજામ આપે તે પહેલાં જ ઠાર મારી દેવામાં આવે છે. આ ઓપરેશન પછી આતંકવાદી ઘટનાઓ ઉપર મહદઅંશે કાબૂ આવ્યો છે.