Jambhughoda

જાંબુઘોડા પંથકમાં ભરશિયાળે તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ત્રણ જગ્યાએ તાળા તોડ્યા

(પ્રતિનિધિ) જાંબુઘોડા
જાંબુઘોડા પંથકમાં ગત રાત્રે ભર શિયાળે તસ્કરો સક્રિય બનતા એક જ રાતમાં ત્રણ અલગ-અલગ સ્થળે તાળા તોડવાના પ્રયાસો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે તસ્કરોને ક્યાંયથી મોટો માલ મળ્યો નથી, પરંતુ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.

મળતી માહિતી મુજબ, હાલ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં ભારે ઠંડીને કારણે લોકો રાત્રે ઘરના દરવાજા બંધ રાખે છે અને વહેલી સવારે ઉઠવાનું ટાળે છે, જેનો ફાયદો તસ્કરો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રે વહેલી સવારે જાંબુઘોડાના આંબાવાડીયા વિસ્તારમાં કોર્ટ સામે આવેલા શબ્બીરભાઈ દિવાન પોતાના સગા સંબંધીના લગ્ન પ્રસંગે ગયેલ હોવાથી તેમનું ઘર બંધ હતું. આ અવસરનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ ઘરનો દરવાજો નિશાન બનાવી લોખંડની જાળીમાં લગાવેલ તાળાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ઘરમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ બે તિજોરી તોડી તેમાં રહેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. સવારના સમયે આસપાસના લોકોએ દરવાજો ખુલ્લો જોયો ત્યારે શંકા ઉપજી હતી. તપાસ કરતાં તાળું તૂટેલું જોવા મળતા તાત્કાલિક જાંબુઘોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન બાજુમાં રહેતા એક અન્ય રહેવાસીએ પોલીસને જણાવ્યું હતું કે તેમના ઘરની બહાર પાર્ક કરેલી અલ્ટો કાર ઉઠાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ઘરના સભ્યો જાગી જતા તસ્કરો પોતાની પાસે રહેલી સ્વિફ્ટ કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડા ચોકડી વિસ્તારમાં પણ અન્ય મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
જાણવા મળ્યા મુજબ, એક જ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા છતાં તસ્કરોના હાથમાં કંઈ ખાસ આવ્યું નથી. આ ઘટનાઓને લઈ જાંબુઘોડા પી.આઇ. બિટિયા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.આર. ચુડાસમા,તથા તેમની ટીમ દ્વારા વિસ્તારના વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Most Popular

To Top