વસંતતારા સ્કાય બિલ્ડરના પાપે 40થી વધુ પરિવારોને તેમના ઘરો ખાલી કરવા પડ્યા
છાણી જકાતનાકા કેનાલ નજીક નવી બાંધકામ સાઇટના ખોદકામ દરમ્યાન ભારે ભૂસખલન થતાં નજીકના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સત્વ પ્રાઇમ ફ્લેટની બાજુમાં વસંતતારા સ્કાય નામની નવી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દીવાલ અને માટી ધસી પડતા 40થી વધુ પરિવારોને તેમના ઘરો ખાલી કરવા પડ્યા હતા. ઘટના બાદ તુરંત ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સુરક્ષા કારણોસર સત્વ પ્રાઇમના જી અને ઇ ટાવરના રહેવાસીઓને સ્થળ છોડવાની ફરજ પડી. કિસ્સાની ગંભીરતા જોતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્ટ્રક્ચરલ એન્જિનિયરને રાત્રે જ બોલાવી બિલ્ડિંગની સ્થિરતાની તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, વસંતતારા સ્કાયના બિલ્ડરને આગોતરા ચેતવણી આપવામાં આવી હતી કે, બાંધકામ દરમિયાન પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. તેમ છતાં, બાંધકામ દરમિયાન પૂરતી તકેદારી ન રાખતાં આ ઘટના બની છે. રહીશોને અચાનક મકાન છોડવું પડતા તેઓ રાતે જ ખૂલ્લી જગ્યા અને અન્ય સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા હતા.
પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે આ ઘટનાને લઈને મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે ટાઉન પ્લાનિંગ વિભાગના પરિમલ પટણી પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. તેમના મતે, નિષ્ફળ આયોજન અને બાંધકામની ખામીઓના કારણે સત્વ પ્રાઇમ અને સેફ્રોન બ્લિસના રહેવાસીઓને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમિ રાવતે રહીશોને તાત્કાલિક આશરો અને સહાયની માગણી કરી છે. રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રોજગાર તથા શિક્ષણ પર અસર ન પડે તે સુનિશ્ચિત કરવું. VMC દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચકાસણી હાથ ધરવી અને જો બિલ્ડિંગ સુરક્ષિત ન હોય તો બિલ્ડરને તેનું મજબૂતીકરણ કરવા માટે જવાબદાર બનાવવું.વસંતતારા સ્કાયના ડેવલપર સામે કાયદેસર કાર્યવાહી અને FIR દાખલ કરવી. ટેક્નિકલ અને કાનૂની નિષ્ણાતોની તપાસ સમિતિ રચવી. રહેવાસીઓને રહેવાની અને ભાડાની વ્યવસ્થા, તેમજ આર્થિક સહાય પુરી પાડવી.
