કાલોલ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુંદી ગામમાં એક કરુણ અને ચકચારજનક ઘટના સામે આવી છે. ગુંદી ગામના રાઠવા ફળિયામાં રહેતા અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી યુવરાજ રાઠવાનો મૃતદેહ ગામ નજીક આવેલા પાણીના કોતરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
મૃતદેહ મળવાની જાણ થતાં ગામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવરાજના પરિવારજનોને આ દુઃખદ સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ યુવરાજ રાઠવાને ઇલેક્ટ્રિક વાયરથી કરંટ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામમાં એવી ચર્ચા છે કે કરંટ લાગવાથી યુવરાજનું મોત થયું હોઈ શકે છે અને ત્યારબાદ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેના મૃતદેહને પાણીના કોતરમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ કારણે ઘટનાએ વધુ શંકાસ્પદ વળાંક લીધો છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આજુબાજુના ખેતરોમાં લાગેલા ઇલેક્ટ્રિક વાયરોની તપાસ કરવામાં આવી રહી છે તેમજ મૃતદેહ કોણે અને કેવી રીતે પાણીમાં ફેંક્યો તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. યુવરાજના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.