Godhra

ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ

પ્રતિનિધી ગોધરા તા.5

સોશિયલ મીડિયા પર શેર કર્યો ગાય દોહતો વીડિયો

પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ.હરેશ દુધાત ગુનેગારો સામે પોતાની કડક કાર્યવાહી માટે જાણીતા છે પરંતુ તાજેતરમાં તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અલગ જ અંદાજ રજૂ કર્યો છે. એસ.પી. ડૉ.હરેશ દુધાતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ એક સામાન્ય પશુપાલકની જેમ અત્યંત સાદગીથી ગાયનું દૂધ દોહતા જોવા મળી રહ્યા છે.

આ પોસ્ટ એટલા માટે સૂચક છે કારણ કે, હજુ થોડા સમય પહેલાં જ એસ.પી. ડૉ.હરેશ દુધાતે પંચમહાલ જિલ્લામાં ગૌ-તસ્કરી અને ગૌવંશની કતલ જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે એક સ્પેશિયલ સ્કોડની રચના કરી છે. એક તરફ કાયદાનો ડંડો ઉગામીને ગૌવંશને બચાવવા માટે સક્રિય આ અધિકારીએ બીજી તરફ જાતે ગૌસેવા કરતો વીડિયો મૂકીને “કથની અને કરણી”માં એકસૂત્રતા દર્શાવી છે.

વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ગૌ સેવા, ગૌ કૃપા, અને દૂધ દોહવાની અનોખી દિવ્ય અનુભૂતિ. પોલીસ યુનિફોર્મથી દૂર, ઘરગથ્થુ કપડામાં જિલ્લાના વડાને આ રીતે ગૌસેવા કરતા જોઈને આ પોસ્ટ લોકોમાં કુતૂહલ અને આદરનો વિષય બની છે. આ વીડિયો દ્વારા તેમણે સંદેશ આપ્યો છે કે હોદ્દો ગમે તેટલો મોટો હોય વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ.

આ બાબતે ડૉ હરેશ દુધતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે અને ગોધરામાં ગૌવંશની ગેરકાયદે કતલ અટકાવવા માટે ખાસ સ્ક્વોડ કાર્યરત છે. વધુમાં જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે ગાય દોહવાના પોતાના અનુભવને વર્ણવતા જણાવ્યું ‘ગાયના આંચળને સ્પર્શ કરતા જ મને જે દિવ્ય આનંદની અનુભૂતિ થઈ છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.’ તેમણે લોકોને ગૌ-તસ્કરી કરતા તત્વોની બાતમી આપવા જણાવ્યું હતું. સાથે જ પશુપાલકોને અપીલ કરી હતી કે ગાયને માતા માનો છો તો તેને રસ્તા પર રખડતી ન છોડો જેથી તે પ્લાસ્ટિક ખાવાથી અને બીમારીઓથી બચી શકે.”

Most Popular

To Top