પ્રતિનિધી ગોધરા તા.03
તંત્રએ ગંદકી કરનારા સામે ‘લાલ આંખ’ કરવાની વાત કરી અને પાલિકાનું બોર્ડ જ કચરાના ઢગલામાં રગદોળાયું
રાત્રિના અંધારાનો લાભ લઈ હોટલ સંચાલકો કચરો ઠાલવતા હોવાનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો દાવો
ગોધરાના મેસરી નદીના બ્રિજ નીચે ગંદકીના સામ્રાજ્ય મુદ્દે નગરપાલિકા તંત્રની કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હજુ તો ગઈકાલે જ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે દાવો કર્યો હતો કે અહીં ‘વોચ’ રાખવામાં આવશે અને ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી થશે પરંતુ આજે સ્થળ પરની હકીકત પાલિકાની આબરૂના ધજાગરા ઉડાવી રહી છે. અહીં મુકવામાં આવેલું દંડનીય કાર્યવાહીનું બોર્ડ જ ઉખડીને કચરાના ઢગલામાં પડેલું જોવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મેસરી નદીના બ્રિજ નીચે ગંદકી અટકાવવા પાલિકાએ મ્યુનિસિપલ એક્ટ હેઠળ દંડની જોગવાઈ દર્શાવતું બોર્ડ માર્યું હતું. ગઈકાલે જ તંત્ર દ્વારા નિવેદન અપાયું હતું કે અહીં સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવશે. પરંતુ આજે સવારે આ સ્થળે ‘વોચ’ રાખનારું તો કોઈ દેખાયું નહિ, ઉલટાનું પાલિકાનું બોર્ડ જ કચરા અને એઠવાડ વચ્ચે દયનીય હાલતમાં પડેલું મળી આવ્યું હતું.
પાલિકાનું સત્તાવાર બોર્ડ ઉખેડીને કચરામાં ફેંકી દેવાની ઘટના સાબિત કરે છે કે ગંદકી ફેલાવનારા તત્વોને તંત્ર કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. જે તંત્ર પોતાના બોર્ડને સુરક્ષિત નથી રાખી શકતું, તે નદીને સ્વચ્છ કેવી રીતે રાખશે તેવો સવાલ જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યો છે. શું પાલિકાની ટીમ માત્ર નિવેદનો આપવામાં જ વ્યસ્ત છે કે પછી ખરેખર કોઈ કાર્યવાહી થશે? તે જોવું રહ્યું.
કચરામાં પડેલું બોર્ડ લઈ લેવામાં આવશે અને રવિવારે તમામ કચરો સાફ કરાશે: સેનેટરી ઇન્સ્પેક્ટર
આ બાબતે ગુજરાત મિત્રના પ્રતિનિધી આશિષ બારીઆ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,”મેસરી નદીના બ્રિજ નીચે કચરામાં પડેલું બોર્ડ પાલિકા દ્વારા પરત લઈ લેવામાં આવશે. ગંદકીના કાયમી ઉકેલ માટે આગામી રવિવારે બ્રિજથી લઈને કોઝવે સુધીના નદીના પટમાં રહેલો તમામ કચરો દૂર કરવા માટે ખાસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. રાત્રે ઓફિસ બંધ હોય અને સ્ટાફ ન હોય ત્યારે આજુબાજુના હોટલ સંચાલકો અંધારાનો લાભ લઈ અહીં કચરો ઠાલવી જતા હોવાનું ધ્યાને આવ્યું છે.” – મનોજભાઈ ચૌહાણ (સેનેટરી ઇન્સ્પેક્ટર, ગોધરા નગરપાલિકા)