Vadodara

ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને સારવારના અભાવે દર્દીનું મોત: પરિવારનો ભારે હોબાળો


ડોક્ટરોની ગેરહાજરી અને તંત્રની બેદરકારીના ગંભીર આક્ષેપો; ‘આ સરકારી હોસ્પિટલ નથી, મોતનો કૂવો છે’ – રોષે ભરાયેલા સ્વજનોની પ્રતિક્રિયા

વડોદરા : શહેરની જાણીતી જી.એમ.ઈ.આર.એસ. ગોત્રી હોસ્પિટલમાં વધુ એક વખત તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉંડેરા ગામથી સારવાર માટે આવેલા એક દર્દીનું વેન્ટિલેટર અને સમયસર સારવાર ન મળવાને કારણે મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ડોક્ટરોની ગેરહાજરી અને પાયાની સુવિધાઓના અભાવે તેમના સ્વજનનો જીવ લીધો છે.

મળતી માહિતી મુજબ, ઉંડેરા ગામના એક પેશન્ટને ખેંચ આવવાની ફરિયાદ સાથે ગોત્રી હોસ્પિટલના પાંચમા માળે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, દર્દી ચાલીને હોસ્પિટલ આવ્યા હતા. સવારે 10:30 વાગ્યે દાખલ કર્યા બાદ માત્ર ઈસીજી અને એક્સ-રે જેવી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ સિનિયર ડોક્ટર તપાસ માટે આવ્યા નહોતા. જ્યારે દર્દીની હાલત લથડી અને ખેંચ વધી, ત્યારે તેમને આઈસીયુ અથવા વેન્ટિલેટરની જરૂર હતી, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જણાવી દેવાયું હતું.
મૃતકના પુત્ર અને અન્ય સગાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે વારંવાર ડોક્ટરને બોલાવવા ગયા પણ કોઈ હાજર નહોતું. નર્સિંગ સ્ટાફને પણ કશી ખબર પડતી નહોતી. જો હોસ્પિટલમાં આઈસીયુ ફૂલ હતું, તો અમને વહેલા જાણ કેમ ન કરી? જો અમને ખબર હોત તો અમે બીજી હોસ્પિટલમાં લઈ ગયા હોત. ડોક્ટરો માત્ર પગાર લેવામાં મસ્ત છે અને ગરીબ દર્દીઓ ભગવાન ભરોસે છે.”
આ મામલે હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, દર્દીને લિવરની સમસ્યા અને ખેંચની તકલીફ હતી. તેમની હાલત ગંભીર થતા આઈસીયુમાં ખસેડવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ આઈસીયુ બેડ ફૂલ હોવાથી જગ્યા મળી શકી નહોતી. તેમણે સ્વીકાર્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં બેડની અછત એ સાર્વત્રિક પ્રશ્ન છે. પરિવારના આક્ષેપો અંગે તેમણે સીસીટીવી ફૂટેજ તપાસવાની ખાતરી આપી છે.
ઘટના સ્થળે પહોંચેલા સામાજિક કાર્યકરોએ હોસ્પિટલની વ્યવસ્થા સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “રાજ્ય સરકાર આરોગ્ય પાછળ કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, તો પછી વેન્ટિલેટર જેવી પાયાની સુવિધા કેમ નથી? મંત્રીઓના પરિવાર માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો છે, જ્યારે ગરીબો માટે આ ગોત્રી હોસ્પિટલ ‘મોતનો કૂવો’ બની ગઈ છે.”
આ ઘટનાને પગલે હોસ્પિટલમાં વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોમાં એવી ચર્ચા છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો સામાન્ય માણસ સરકારી હોસ્પિટલમાં જવાની હિંમત કેવી રીતે કરશે?

Most Popular

To Top