Charotar

ગળતેશ્વરમાં પતિએ રસોઇ બાબતે મારઝુડ કરતાં પત્નીએ ગળે ફાંસો ખાધો

લગ્નના બે વર્ષ દરમિયાન અવાર નવાર ખોટો વહેમ રાખી ત્રાસ આપતો હતો

સેવાલીયા : ગળતેશ્વર તાલુકાના મહી ઇંટાડી ગામમાં રહેતા યુવકે તેના લગ્નના બે વર્ષના ગાળામાં પત્નીને રસોઇ બનાવવા તેમજ ખોટા વહેમ રાખી મારઝુડ કરી ત્રાસ આપ્યો હતો. આ અસહ્ય ત્રાસથી કંટાળી પત્નીએ ઘરે મોભીયાએ લટકી જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે સેવાલીયા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પંચમહાલના શહેરા તાલુકાના ખરોલી ગામમાં રહેતા અશ્વિન ઇશ્વરભાઈ પરમારની બહેન સોનલબહેનના લગ્ન વર્ષ 2021માં કલ્પેશ ઇશ્વરભાઈ પરમાર (રહે. મહીઇટાડી, તા. ગળતેશ્વર) સાથે થયાં હતાં. તેમને આ લગ્નજીવનમાં કોઇ સંતાન નહતું. જોકે, લગ્નના થોડા સમય બાદથી તેનો પતિ કલ્પેશ પરમાર રસોઇ બનાવવા બાબતે તેમજ તેના પર ખોટા વહેમ રાખી અવાર નવાર મારઝુડ કરી ત્રાસ આપતો હતો. દરમિયાનમાં 28મી માર્ચના રોજ સાતેક વાગ્યાના સમયે અશ્વિનને જાણવા મળ્યું હતું કે, મહીઇટાડી ગામમાં સોનલબહેને તેના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આથી, અશ્વિન તેના પરિવારજનો સાથે તુરંત મહી ઇંટાડી ગામમાં આવ્યો હતો. આ સમયે સોનલબહેનની લાશ ઘરના છેલ્લા રૂમમાં ભોંયતળીયે મુકેલી હતી. તેના ગળાના ભાગે સાડીનો ટુકડો બાંધેલો હતો. આ અંગે તેના સાસુને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, અમે ઘરના માણસો ઘરે હતાં નહીં. તે વખતે આશરે છએક વાગ્યાના સમયે સોનલબહેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.

આ ગાળામાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સોનલબહેનના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આ અંગે અશ્વિને સેવાલીયા પોલીસ મથકે કલ્પેશ સામે ફરિયાદ આપી હતી. જેમાં કલ્પેશ ખોટા વહેમ રાખી મારઝુડ કરતો હતો. સોનલબહેન જ્યારે પણ પિયર આવતા હતા ત્યારે આ વાત જણાવતી હતી. કલ્પેશ રસોઇ બનાવવા બાબતે તેમજ ખોટા વહેમ રાખી મારઝુડ કરતો હતો. જે અતિશય ત્રાસ આપતા ત્રાસ સહન ન થતાં મોભીયાએ લટકી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે કલ્પેશ ઇશ્વર પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top