Business

ખોબા જેટલી પ્રજા દરેક મોરચે અગ્રેસર કેમ છે?

મારા મિત્ર પ્રાધ્યાપક ગિરીશ જાનીએ થોડાં વરસ પહેલાં ભારતીય વિદ્યા ભવન માટે ફિરદોસીનાં ‘શાહનામા’નું સંપાદન કર્યું હતું. તેને માટે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનામાં પ્રા. જાનીએ લખ્યું હતું કે મુસ્લિમ આક્રમણકારોથી બચવા જરથોસ્તી ધર્મમાં માનનારા ઈરાનીઓએ પોતાનું વતન છોડીને ભાગવું પડ્યું હતું. ભારતીય વિદ્યા ભવનના વડા હોમી દસ્તુરને પારસી હોવાને નાતે જ્યારે આ પ્રસ્તાવનાનો મુદ્દો જોવા આપ્યો ત્યારે ઉપરનું વાક્ય વાંચીને તેમણે કહ્યું હતું કે અમારા પૂર્વજોને સતાવનારાઓ આક્રમણકારો હતા, મુસલમાન નહોતા. જે ઇસ્લામ સમજ્યો હોય એ આવું કરે! ?બીજું, ઘાવને દુઝતા રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે. માટે ગિરીશભાઈ આ વાક્યને કાઢી નાખો તો સારુ.

પારસીઓ આજે નહીં, ભારતમાં આવ્યા ત્યારથી લઘુમતીમાં પણ લઘુમતી કોમ છે. પણ માનવપુરુષાર્થનું એવું એકપણ ક્ષેત્ર બતાવો જેમાં પારસીઓ અગ્રેસર ન હોય. લડાઈ અને લશ્કરી ક્ષેત્રમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. પારસીઓએ તેમની વસ્તીના પ્રમાણમાં ઘણી મોટી સંખ્યામાં બત્રીસલક્ષણાઓ આપ્યા છે. કદાચ જગત આખામાં આ બાબતે તેઓ અગ્રેસર હશે. આવી ખોબા જેટલી પ્રજા દરેક મોરચે અગ્રેસર કેમ છે? ક્યારેય વિચાર્યું છે?

એનો જવાબ હોમી દસ્તુરના કથનમાંથી મળી રહેશે. ઘાવને દુઝતા રાખવામાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. માટે પારસીઓએ ક્યારેય વેઈલીંગ વૉલ શોધી નથી, જ્યાં માથું ટેકવીને રડવામાં આવે. કોઈ પારસી તમને એવો નહીં મળે જે પોતાનાં મૂળ વતન ઈરાનમાં આવેલા યેઝ્દના આતશ બહેરામ જવા માટે ઝૂરતો હોય. પારસી કોમમાં એવો કોઈ રીવાજ નથી કે ઈરાનથી ભાગીને આવવું પડ્યું અને કશુંક છોડવું પડ્યું તેનો માતમ મનાવવામાં આવે. તેઓ વર્તમાનમાં જીવે છે અને માટે દરેક ક્ષેત્રમાં સફળ છે. તેમની સફળતાનો દર તેમની સંખ્યા કરતા ઘણો વધારે છે.

હકીકત તો એ છે કે પારસીઓની માફક હિંદુઓએ પણ વેઈલીંગ વૉલ શોધી નથી. ઇતિહાસમાં એવું ક્યારેય જોવા નથી મળ્યું કે સોમનાથનાં મંદિર પાસે જઇને હિંદુઓ રડ્યા હોય. રડવું જોઈએ એવું શીખવાડવામાં પણ નહોતું આવતું. બાજુમાં નાનું દેરું બાંધ્યું હતું એ સોમનાથ મહાદેવ હતા અને એમાં દરેક પ્રકારની સંપૂર્ણતા અને ભવ્યતા હતા. કોઈ ઓછપ નહોતી, કોઈ નાનપ નહોતી, કોઈ પ્રકારના અપમાનનો ભાવ નહોતો, આપણા મહાદેવ ભવ્ય મંદિરમાં જ વિરાજમાન હોવા જોઈએ એવી કોઈ જરૂરત કોઈએ અનુભવી નહોતી. અહીં સવાલ થવો જોઈએ કે પારસીઓની માફક હિંદુઓએ પણ રુદન કરવાનાં સ્થાનકો નહોતાં વિકસાવ્યાં તો પછી હિંદુઓ પારસીઓ જેટલા સફળ કેમ નહીં થયા? આનું કારણ છે જ્ઞાતિપ્રથા. હિંદુ સમાજ જ્ઞાતિપ્રથારૂપી વિકલાંગ કાયા ધરાવે છે અને એ તેની નિષ્ફળતાનું કારણ છે. 

તો પછી હિંદુઓને રડાવવાની શી જરૂર પડી? ગયા સપ્તાહના લેખમાં મેં કહ્યું હતું એમ જ્યારે તમને રડાવવામાં આવે છે ત્યારે રડવાનું કારણ આપવામાં આવે છે અને એ કારણનો રાજકીય અને ધાર્મિક  ખપ હોય છે. જુઓ આપણી સાથે દુશ્મનોએ શું કર્યું હતું! એ પછી એ દુશ્મન કે દુશ્મનોનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે, એમાં પેઢી-દરપેઢી દુષ્ટતાનાં આવરણો ચડાવવામાં આવે છે, રડવા માટેનાં કારણોની દાસ્તાનો વધારેને વધારે હૃદયસ્પર્શી બનાવવામાં આવે છે વગેરે. એ પછી? એ પછી તમે જાણો છો કે જ્યાં દ્વેષ હોય ત્યાં વેર હોય અને વેરવૃત્તિનો રાજકીય તેમ જ ધાર્મિક ખપ હોય છે. જે હિંદુ પ્રજા અતીતને યાદ કરીને ક્યારેય રડતી નહોતી તેને રડતી કરવામાં આવી રહી છે.

હિંદુ પ્રજાને રડતી કરવા પાછળ, રડવાનું કારણ આપવા પાછળ, દુશ્મનની ઓળખ કરાવવા પાછળ, દુશ્મનનો ડર બતાવવા પાછળ, દુશ્મન પ્રત્યે વેરભાવ પેદા કરવા પાછળ રાજકીય એજન્ડા છે. ભયભીત લોકો ઝડપથી સંગઠીત થાય છે અને પ્રમાણમાં લાંબો વખત સંગઠીત રહે છે એ પહેલો ફાયદો. જ્યાં સુધી ભય હોય ત્યાં સુધી લોકો આપસના મતભેદ અને ઝઘડા ભૂલી જાય છે. દુશ્મન સામે ઘૂંટીઘૂંટીને વેરભાવ પેદા કરવામાં આવે તો માણસ દુશ્મનનું બુરું ઈચ્છવામાં એક પ્રકારનો આનંદ લેવા માંડે છે અને વર્તમાનના પ્રશ્નોને ભૂલી જાય છે એ બીજો ફાયદો. ભયભીત અને વેર વાળવા આતુર માણસ એવા નેતાને, કે પક્ષને કે સંગઠનને  તરત અપનાવી લેશે જે ભય દુર કરવાનું અને વેર વાળવામાં નેતૃત્વ કરવાનું વચન આપે. એ પછી જ્યાં સુધી છેવટનું ભ્રમનિર:સન ન થાય ત્યાં સુધી તે સાથ નહીં છોડે એ ત્રીજો ફાયદો.  પણ આમ કરવામાં પ્રજા પુરુષાર્થહીન નમાલી નીવડે તેનું શું? તો તેનાથી કોને ફરક પડે છે. રહી વાત નમાલાપણાની તો માથાભારેપણાને બહાદુરી તરીકે ખપાવીને નમાલાપણું છુપાવી શકાય છે. અત્યારે આપણા દેશમાં આવું જ બની રહ્યું છે.

Most Popular

To Top