તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે આપણો દેશ મૂડીવાદી લોકશાહી તરફ અગ્રેસર તઇ રહ્યો છે જેમાં કહેવા પૂરતી જ લોકશાહી સરકાર હોય છે બાકી કોની કયા પક્ષની સરકાર હોય તે નકકી તો મૂડીપતિઓ જ કરતા હોય છે. પ્રજા તો માત્ર આ કે તે પક્ષને મત આપનાર માત્ર મ્હોરું જ બની રહે છે. જો આમ જ થતુ જ રહેશે તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી રાષ્ટ્ર કહેવાતું ભારત અને તેની લોકશાહ ટકશે કે કેમ તે પ્રજાએ વિચારવાનો સમય થઇ ગયો છે.
માન્યું કે સરકારી આર્થિક ઉપાર્જન કરતી સંસ્થાઓ ખોટ કરતી હશે તો તે ખોટ શા કારણે થઇ રહી છે તે સંશોધન થવું ઘટે અને તે કારણો દૂર કરી તેને નફો રળતા કરવા ઘટે. બાકી તેનું ખાનગીકરણ કરવું એટલે માથુ દુખતું હોય તો તેનું ધડ જ અલગ કરી નાંખવા જેવું છે. કહે છે કે, અંગ્રેજો આપણા વેપાર હાથમાં લઇને જ આપણને તમામ પ્રકારે ગુલામ કર્યા હતા. તેમાંથી આઝાદીના લડવૈયાઓએ આપણને રાજકીય આઝાદી અપાવી પણ આર્થિક ગુલામી તો પ્રજા આજે પણ ભોગવે છે વળી શાસકો મૂડીવાદને પ્રોત્સાહિત ખાનગીકરણ દ્વારા પ્રજાને આર્થિક ગુલામીની બેડીમાં જકડી રહ્યાં હોય એવું નથી લાગતું?
નવસારી – ગુણવંત જોષી