બારડોલી: બારડોલી-નવસારી રોડ પર તાજપોર બુજરંગ ગામની સીમમાં વૈજનાથ વળાંક પાસે પૂરઝડપે આવતી મોટરસાઇકલ પર કાબૂ નહીં રહેતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ રોડની સાઇડે મૂકેલી પાણી પુરવઠા વિભાગની લોખંડના પાઇપ સાથે ધડાકાભેર અથડાતાં બે સગાભાઈ સહિત ત્રણનાં મોત થયાં હતાં.
પલસાણા તાલુકાના પીસાદ ગામે રહેતા નાનુભાઈ શંકરભાઈ રાઠોડના બે પુત્ર વાસુ (ઉં.વ.19) અને દેવ રવિવારે રાત્રે નવેક વાગ્યે પલસાણાના લાખણપોર ગામે રહેતા તેના મામા હસમુખભાઈ મનુભાઈ રાઠોડના ઘરે આવ્યા હતા અને ત્યાંથી હસમુખભાઇના પુત્ર યશ (ઉં.વ.19) સાથે ત્રણેય દિવાળીની ખરીદી કરવા માટે મોટરસાઇકલ નં.(જીજે 19 બીકે 6742) લઈ બારડોલી જવા નીકળ્યા હતા. મોટરસાઇકલ વાસુ ચલાવી રહ્યો હતો. તેઓ નવસારીથી બારડોલી રોડ પરથી પસાર થતા હતા ત્યારે તાજપોર બુજરંગ ગામની સીમમાં વૈજનાથ વળાંક પાસે પૂરઝડપે પસાર થતી વેળા ચાલક વાસુએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટરસાઇકલ બેકાબૂ થઈ રોડની સાઇડે પાણી પુરવઠા વિભાગના લોખંડની પાણીની પાઇપ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં વાસુ અને યશને ગંભીર ઇજા થતાં તેમનાં સ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે દેવને ઇજા થતાં સારવાર અર્થે પ્રાથમિક સારવાર સીએચસીમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતાં ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સામી દિવાળીએ મામા-ફોઇના દીકરાઓનાં મોતથી પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. પીસાદ ગામના એકસાથે બે ભાઈનાં મોતને કારણે ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.
બચેલા પાઇપ હજુ પણ અનેક જગ્યાએ રોડની સાઇડે હોવાથી જોખમી
બારડોલી-નવસારી રોડ ઉપરાંત અન્ય માર્ગો પર પાણી પુરવઠા વિભાગ દ્વારા સુરત બલ્ક પાણી યોજના માટે પાણીની પાઇપલાઇન બિછાવવામાં આવી હતી. જો કે, આ બચેલા પાઇપ હજુ પણ અનેક જગ્યાએ રોડની સાઇડે રાખી મૂકવામાં આવ્યા છે. જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. આ પાઇપને ખસેડવાની ફૂરસદ પાણી પુરવઠા વિભાગને ન હોય તેનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે. ત્યારે માર્ગ-મકાન વિભાગ દ્વારા રોડની સાઇડે પડેલા પાઇપ વહેલી તકે ખસેડવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.