Vadodara

કલાલી વિસ્તારમાં કૌટુંબિક વિવાદ ઉગ્ર: બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ચાકુથી મારી નાખવાની આપી ધમકી

દીકરીને મળવાના મુદ્દે સ્કૂલ ગેટ પાસે થયો ઝઘડો; અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પ્રતિનિધિ, વડોદરા તા.7
કલાલી વિસ્તારમાં રહેતા બિલ્ડરના કૌટુંબિક ઝઘડાએ હિંસક વળાંક લીધો છે. શહેરના જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે તેમની પત્નીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. દીકરીને મળવાના મુદ્દે થયેલી તકરારમાં પતિએ જાહેરમાં પત્નીને ચપ્પુથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી આકૃતિ ડુપ્લેક્સમાં રહેતી નમ્રતાબેન ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન આશરે 15 વર્ષ પહેલા અકોટા વિસ્તારની એસોસિયેટ સોસાયટીમાં રહેતા બિલ્ડર ધવલ દીપકભાઈ ઠક્કર સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતા નમ્રતાબેન પોતાના 11 વર્ષના પુત્ર સાથે પિયરમાં રહે છે, જ્યારે તેમની 14 વર્ષની દીકરી પિતા સાથે રહે છે.
7 માર્ચના રોજ સવારે નમ્રતાબેન પોતાના પુત્રને લઈને સ્કૂલ પર ગયા હતા. તે સમયે પતિ ધવલ ઠક્કર પણ દીકરી સાથે ત્યાં હાજર હતા. નમ્રતાબેને પુત્રને પિતાને મળવા દીધો હતો અને તેઓ પોતાની દીકરીને મળવા ગયા હતા. તે દરમિયાન ધવલ ઠક્કર ઉશ્કેરાઈ ગયા અને સ્કૂલના રિસેપ્શન પાસે જ પત્ની સાથે ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો.
ફરિયાદ મુજબ સ્કૂલના દરવાજા પાસે પત્નીને રોકીને ધવલ ઠક્કરે ધમકી આપતા કહ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી બંદૂક છે, પરંતુ તે અત્યારે લાવ્યો નથી, નહીં તો ચપ્પુથી મારી નાખીશ. આ ધમકી બાદ નમ્રતાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે નમ્રતાબેન ઠક્કરની ફરિયાદના આધારે બિલ્ડર ધવલ ઠક્કર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે બે મહિના અગાઉ પણ પતિ-પત્ની વચ્ચે થયેલી મારામારી અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top