Vadodara

કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

આણંદ, તા. 3
આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ કનેવાલ તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.
આ મુલાકાત સમયે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરએ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને કનેવાલ તળાવની ભૌગોલિક સ્થિતિ તથા તેમાં કાર્યરત સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આણંદ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીએ કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેના પ્રોજેક્ટ અંગે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ ઉપર બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકત દરમિયાન પ્રાંત અધિકારી પુનમબેન પરમાર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ તળાવ ઊંડુ કરવાની યોજના હાથ પર લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વલ્લી ગામ નજીક આવેલુ કનેવાલ તળાવ એ કૃત્રિમ તળાવ છે. આ તળાવ 100 વર્ષ પૂર્વે બ્રિટિશ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. હાલ તળાવના પાણીથી સૌરાષ્ટ્રના 120 ગામોને સિંચાઇ અને પીવાના પાણીનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ તળાવ છીછરુ હોવાથી યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. દર શિયાળામાં યાયાવર પક્ષીઓ મહેમાનગતિ માણતા હોય છે. આ સમયે તળાવનું દૃશ્ય મનમોહક બની જાય છે. જો પર્યટન તરીકે આ સ્થળ વિકાસ થાય તો પક્ષીઓ પ્રેમીઓ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની રહેશે.

Most Popular

To Top