Vadodara

એસએસજીમાંથી પાસાનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર :

આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પારિયા ફરાર થતા પોલીસ દોડતી થઈ :

શારીરિક તકલીફ થતા તેને એસએસજી હોસ્પિટલના વોર્ડ 13 માં દાખલ કરવામાં આવ્યો હતો :

( પ્રતિનિધિ ) વડોદરા તા.6

વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી પોલીસને ચકમો આપવામાં સફળ બન્યો છે. પાસા હેઠળ વડોદરા લવાયેલ અમદાવાદનો આરોપી કિરણ ઉર્ફે બાદશાહ એસએસજી હોસ્પિટલના વોર્ડ 13 માંથી જાપ્તા પોલીસને ચકમો આપી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી.

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં કેદી બાદ આરોપી ભાગી છૂટવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કિરણ ઉર્ફે બાદશાહ પારિયા ઉ.વ.35 ને પાસા હેઠળ 30 જાન્યુઆરીએ વડોદરા લાવવામાં આવ્યો હતો. ગતરોજ તેને શારીરિક તકલીફ થતા સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાં હોસ્પિટલના વોર્ડ નંબર 13 માં તેને દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આશરે 1:30 કલાકની આસપાસ અમદાવાદનો આરોપી કિરણ ઉર્ફે બાદશાહ દિનેશભાઈ પારીયા જાપ્તા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આરોપી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી. આરોપી હથકડી સાથે ફરાર થયો હોવાનું સૂત્રોનું કહેવું છે. પાસાનો આરોપી જાપ્તા પોલીસને ચકમો આપી ફરાર થતા પોલીસ કર્મચારીઓ સામે પણ સવાલો ઉઠ્યા છે. અત્રે મહત્વની બાબત છે કે વડોદરાની હોસ્પિટલમાં અગાઉ પણ પોલીસને ચકમો આપી કેદીઓ ભાગી જવાની ઘટના બની છે. જે સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો છે. કેદી બાદ હવે આરોપી ફરાર થયો છે. આરોપી કિરણ ઉર્ફે બાદશાહ ફરાર થતા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી છે.

Most Popular

To Top