એક ફાઈવ સ્ટાર હોટેલ બની રહી હતી.શહેરનો સૌથી મોટો સ્વીમીંગ પુલ તેમાં બની રહ્યો હતો અને સ્વીમીંગ પુલને સૌથી મોટું આકર્ષણ બનાવવા માટે ખાસ ઇતલીતી ચમકતા બ્લુ રંગના વિવિધ શેડ્સની ટાઈલ્સ ખાસ ઈટાલીથી મંગાવવામાં આવી હતી.બહુ સુંદર ચમકતા રંગ હતા.સ્વીમીંગ પુલનું કામ શરૂ થયું અને ટાઈલ્સ લગાવવામાં આવી. હજી અડધા સ્વીમીંગ પુલમાં ટાઈલ્સ લાગી હતી ત્યાં જ સમગ્ર પરિસરની સુંદરતા વધી ગઈ હતી.જે આવતું તે થોડી વાર રોકાઈને કામ થતું જોતું અને પછી જ આગળ જતું.બધા કડિયાને ભલામણ કરતા જતા; ‘ભાઈ બહુ સુંદર લાગે છે , બહુ મોંઘી ટાઈલ્સ છે ખાસ ઈટાલીથી મંગાવવામાં આવી છે સંભાળીને કામ કરજે.’ કડિયો બહુ સાચવીને કામ કરી રહ્યો હતો.
સ્વીમીંગ પુલનું કામ પૂરું થવામાં હતું પણ ખબર નહિ કેમ પણ એક ટાઈલ ખૂટી. આખા સ્વીમીંગ પુલમાં એક ટાઈલ ઓછી પડી એટલે તેટલી જગ્યા બ્લુ રંગની ચમકતી ટાઈલ વિનાની રહી ગઈ.ઈટાલીથી એક ટાઈલ મંગાવવી તો શક્ય ન હતી.કોઈ ઇટલી જશે ત્યારે જ મંગાવી શકાશે તેમ નક્કી કરવામાં આવ્યું. હોટલનું ઓપનીંગ નજીક હતું અને તે પહેલાં તો ટાઈલ આવી શકે તેમ હતી જ નહિ.હોટલના મેનેજરે વિચાર્યું કે પુલ આટલો સુંદર લાગે છે, એક નાનકડી ટાઈલ નથી તો કોઈનું બહુ ધ્યાન નહિ જાય અને વાંધો નહિ આવે.
હોટલનું ઓપનિંગ થયું અને આવનાર બધાં મહેમાનો સૌથી મોટા અને બ્લુ રંગના વિવિધ શેડ્સની ચમકતી ટાઈલ્સથી અતિ ભવ્ય અને સુંદર લાગતા સ્વીમીંગ પુલથી પ્રભાવિત થતાં અને સતત તેના જ વખાણ કરતાં.સ્વીમીંગ પુલની આજુબાજુ પુલ પાર્ટીનો આનંદ માણતા માણતા કે સ્વીમીંગ પુલમાં તરતા તરતા દરેક જનનું ધ્યાન તે એક મિસિંગ ટાઈલ પર ચોક્કસ જતું અને પછી દરેકનું મન આજુબાજુની બધી ભવ્યતા અને બધી સુંદરતા ભૂલી જઈને માત્ર પેલી એક મિસિંગ ટાઈલની ખામી પર જ અટકી જતું અને ત્યાં જ અટકેલું રહેતું.ઘણા બીજાને તે ખામી બતાવતા કે આટલો સુંદર સ્વીમીંગ પુલ છે, પણ આ એક ટાઈલ ખૂટે છે.
ઘણા આ એક નાનકડી ખામી પર દુઃખી થતાં કે અરે આટલો સરસ પુલ બનાવ્યો પણ એક ખામી રહી ગઈ.ઘણા મેનેજર પર તૂટી પડતાં કે તમે કામ પર બરાબર ધ્યાન આપ્યું નથી. આ એક નાનકડી ખામી પર બધાનું ધ્યાન જતું જ …જેનું ન જતું તેમનું ધ્યાન બીજા દોરી દેતા અને બધું જ સુંદર હોવા છતાં આ માત્ર એક ખામી પર જ બધા વાતો કરતા.આ આપણો માણસોનો સ્વભાવ છે કે જ્યાં કમી અને ખામી હોય તે જ આપણને પહેલાં દેખાય અને તેની પર જ ધ્યાન રહે, તેને જ આપણે વખોડીએ. બીજું બધું જે સારું હોય તે ભૂલી જઈએ અને દરેક વસ્તુ અને વ્યક્તિઓમાં માટે કમી અને ખામી જ જોવી અને ખૂબી ભૂલી જવી તે આપણા બધાની સૌથી મોટી ખામી છે.ચાલો, બીજાની કમીઓ જોવાની આપણી ખામીને દૂર કરીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.