Vadodara

એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ

પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી*
——-
લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય સંરક્ષણ દળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળો તેમના કૌશલ્ય, શિસ્ત અને બહાદુરીનું અદ્દભૂત પ્રદર્શન કર્યુ હતું.

એકતા પરેડની તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલાઓ પરેડ કમાન્ડરોએ કર્યુ

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની ટુકડીઓની આગેવાની નારીશક્તિએ નિભાવી હતી. પ્રથમ ગુજરાતની નારીશક્તિ ગુજરાત કેડરના એસપી સુમનલાલાએ પરેડની આગેવાની લીધી હતી. ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બળ (SSB) ની ટુકડીઓ ઉપરાંત આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, આંધ્રપ્રદેશના પોલીસ દળો, એનસીસીની ટુકડીઓની આગેવાની મહિલાઓએ લીધી હતી.
પરેડમાં મહિલા પોલીસ અધિકારી-કર્મચારીઓની ભાગીદારી પણ દર્શનીય હતી. વડાપ્રધાનને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ એક મહિલા અધિકારીએ કર્યું હતું. આમ, એકતા પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી હતી.


એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની સીમા સુરક્ષાને મજબુત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનોને પ્રશિક્ષણ આપીને તાલીમબદ્ધ કરાયા છે. ઉત્તરપ્રદેશના રામપુરા અને મહારાષ્ટ્રના દેશી નસ્લના શ્વાનોને તાલીમબદ્ધ કરીને સુરક્ષા દળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્વાનોએ ૧૮ ફુટની દિવાલ જમ્પ, ૨૦ ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજુ કર્યું હતું. સ્વદેશી શ્વાનોની જાતિઓ – રામપુર શિકારી શ્વાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. આ જાતિઓએ BSF કામગીરી દરમિયાન બળ ગુણાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપીને આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભારતની આત્મનિર્ભરતા, સ્વદેશી ગૌરવ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.

*એકતા પરેડમાં જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લઈને આકર્ષણ જમાવ્યું

સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ એકતા પરેડમાં પણ ભાગ લઈને આકર્ષણ જમાવ્યું હતું. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવી હતી. કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા સામેલ થયા હતા. એકતા નગર ખાતે કુલ ૫૨ ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટે ભાગ લીધો હતો.
નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ અને સ્કૂલ બેન્ડ તેમના આકર્ષક પ્રદર્શનથી સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો. યુવા NCC કેડેટ્સ તેમના શિસ્ત અને ઉત્સાહ દ્વારા “એકતા એ જ શક્તિ ” સંદેશ આપ્યો હતો. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા એક અદભુત એર શો પરેડ યોજાઇ હતી. જેનો ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો.

*રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું*

એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરી રાજયના ટેબ્લોએ પોતાના રાજયની વિવિધ સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા “એકત્વ” થીમને પ્રતિબિંબિત કરતા ટેબલોઝ રજુ થયા હતા.

*ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા

એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવી હતી. જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો. બન્ને મહાનુભાવોની પ્રતિમા સાથેનો ટેબ્લોએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો અનેરો સંદેશો આપ્યો હતો.
ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું હતું. જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

*ઓપરેશન સિંદુરના વીર જવાનો ખુલ્લી જીપ્સીમાં પસાર થયા*


ઓપરેશન સિન્દુરના સફળતાના સુકાની એવા BSFના ૧૬ શૌર્ય ચંદ્રક વિજેતાઓ ઓપન જીપ્સીમાં પસાર થયા હતા. જેમાં શ્રી રવિન્દ્ર રાઠોડની આગેવાની હેઠળ દેવી લાલ, સાહેબ સિંઘ, કંવરજ સિંઘ, રાજપ્પા બી.ટી, મનોહર ઝાલ્કો, ઉદય વીર સિંગ, શ્રી આલોક નેગી, વ્યાસ દેવ, સુદ્દી રબ્બા, શ્રી અભિષેક શ્રીવાસ્તવ, ભૂપેન્દ્ર બાજબાઈ, બસવરાજ શિવપ્પા સુનકડા, બ્રિજ મોહન સિંહ, દીપેશ્વર બર્મન, રાજન કુમારનો સમાવેશ થાય છે. આ બહાદુર જવાનોએ પશ્ચિમ સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન તેમની અજોડ બહાદુરી અને વીરતાનું પ્રદર્શન કર્યું હતું.
પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ વિક્રાંત કુમાર, જેફ્રી હમિંગચુલો, સદ્દામ હુસૈન, ફેદા હુસૈન, સંજય તિવારીએ ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવી હતી.

*કર્ણપ્રિય સુરાવલિઓ સાથેના વિવિધ બેન્ડોએ અદ્દભૂત પ્રદર્શન રજુ કર્યું*


આ પરેડમાં BSF, CRPF, CISF, SSB, દિલ્હી પોલીસ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના બ્રાસ બેન્ડોએ પણ ભાગ લિધો હતો. આ ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાના ૧૧ થી ૧૮ વર્ષના ગીર સોમનાથ જિલ્લાના સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા ભુજ સ્વામિનારાયણ ગલ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ પોતાના સ્કુલ બેન્ડનું અવિસ્મરણીય પ્રદર્શન રજુ કર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્કુલ પ્રતિયોગીતામાં વિજેતા સ્કુલ બેન્ડમાં ભોપાલનું જોસેફ કોન્વેટ સ્કુલ તથા રાજસ્થાનના સીકરની પ્રિન્સ લોટસ વેલી એકેડમીના વિધાર્થીઓએ પોતાનું બેન્ડ અદભુત પ્રદર્શન રજૂ કર્યું હતું.

*એકતા પરેડની ઝલક


ભારત દેશના રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સીએપીએફ, પોલીસદળોના ૫૪ જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
* ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત ૮૦૦ કલાકારો દ્વારા લોહપુરુષ નમસ્તુમ્યમ પર ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરતી અવિસ્મરણીય કૃતિ રજુ કરી હતી.
* સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે બે હેલિકોપ્ટરો દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને ભાવવંદના કરી હતી.
* બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદેમાતરમ ગીતની રચનાના ૧૫૦ વર્ષના અવસરે ૧૦૦ જેટલા સંગીતકારોએ તાસા, શરણાઈ, કરતાલો સાથે પ્રદર્શન રજુ કર્યું હતું.
* સીઆઈએસએફની મહિલા વિરાંગાનાઓએ સાહસ અને શૌર્ય કૃતિ પ્રસ્તુત કરી હતી.
* CRPF ના મહિલા કર્મચારીઓ માર્શલ આર્ટ્સ અને નિઃશસ્ત્ર લડાઇ કવાયતોનું પ્રદર્શન કર્યુ હતું. હથિયાર વિના યુધ્ધમાં વિજય મેળવી શકાય તે માટે સેવા અને નિષ્ઠાના ભાવ સાથે દિલધડક કરતબો રજુ કર્યા હતા. જેમાં ૩૬ પુરુષ અને ૬ મહિલાઓએ ભાગ લીધો હતો.
* ભારતીય વાયુસેનાના નવ વિમાનો દ્વારા ઓપરેશન સૂર્યકિરણ એર શોનું અદ્દભુત પ્રદર્શન રજુ કર્યું હતું. નવ ઝાંબાજ પાયલોટોની ટીમે આકાશી કરતબો રજૂ કરી સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપી હતી.

Most Popular

To Top