ડિસેમ્બર સુધીમાં સામગ્રી હેન્ડબુક અને ડિજિટલ સંસાધનો વિકસાવાશે
બાળકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિચારવાનું, સમજવાનું અને સમસ્યાઓનું નિરાકરણ કરવાનું શીખવશે
( પ્રતિનિધી )વડોદરા,તા.31
શિક્ષણ મંત્રાલયે ત્રીજા ધોરણથી આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિચારવાનું, સમજવાનું અને સમસ્યાઓનું સમાધાન કરવાનું શીખવવાનો છે. આ અભ્યાસક્રમ 2026-27ના સત્રથી શરૂ થશે અને ધોરણ 3 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ધીમે ધીમે લાગુ કરવામાં આવશે.
હવે ત્રીજા ધોરણનો વિદ્યાર્થી પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા પહેલા એ.આઈ.સમજી શકશે. શિક્ષણ મંત્રાલયે એક એવો નિર્ણય લીધો છે જે શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાની અપેક્ષા રાખે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ધોરણ 3 થી શીખવવામાં આવશે. આનો અર્થ એ છે કે હાલમાં એબીસીડી શીખી રહેલા બાળકો ટૂંક સમયમાં સમજી શકશે કે રોબોટ્સ કેવી રીતે વિચારે છે, મશીનો કેવી રીતે વાતચીત કરે છે અને ટેકનોલોજી કેવી રીતે વિશ્વને સુધારી શકે છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અનુસાર, એ.આઈ એ આજના વિશ્વમાં માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ ભવિષ્યનો પાયો છે. જો બાળકો તેને નાનપણથી જ સમજે છે તો તે ફક્ત તેમની વિચારસરણીમાં વધારો કરશે નહીં. પરંતુ, તેમને નવી વસ્તુઓ બનાવવામાં પણ નિપુણ બનાવશે. આ પ્રોજેક્ટને એ.આઈ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ અભ્યાસક્રમ બાળકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિચારવાનું, સમજવાનું અને સમસ્યાઓનું નિરાકરણ કરવાનું શીખવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ બાળકને રોબોટ કેવી રીતે ચલાવવો તે પૂછવામાં આવે તો તે ફક્ત બટન દબાવવાનું જ નહીં પણ રોબોટની અંદર શું ચાલી રહ્યું છે તે પણ સમજી શકશે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે એઆઈનો ઉપયોગ ફક્ત નફા માટે નહીં પણ સમાજના લાભ માટે કરવાનું શીખવવામાં આવશે. આ અભ્યાસક્રમ સીબીએસઈ, એનસીઈઆરટી , કેવીએસ , એનવીએસ અને તમામ રાજ્ય સરકારોના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે.