Editorial

આપણી પૃથ્વી પરની જ ઘણી બાબતોથી આપણે અજાણ છીએ

માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક પ્રાણીઓને તો તેણે કાબૂમાં લઇ જ લીધા છે અને પૃથ્વીના ઘણા બધા રહસ્યો તેણે ઉકેલી નાખ્યા હોવાનું કહેવાય છે અને હવે તે અફાટ બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા અવકાશ તરફ મીટ માંડી રહ્યો છે અને અવકાશયાત્રાઓ કરી રહ્યો છે પરંતુ સાચી વાત તો એ છે કે આ પૃથ્વી પરના જ અનેક રહસ્યો હજી ઉકેલાયા નથી અને પૃથ્વી પરની ઘણી બાબતો એવી છે કે જેના અંગે માણસ અજાણ છે.

હાલમાં હિમાલય પર્વતમાળાના દુર્ગમ વિસ્તારોમાં અત્યંત મોટી અને હવામાં ઉડતી ખિસકોલીઓ રહેતી હોવાનું કેટલાક ઓસ્ટ્રેલિયન અને ચીની સંશોધકોએ શોધી કાઢ્યું છે. આ ખિસકોલીઓ એક મીટર કરતા પણ વધુ લાંબી હોય છે અને ૨.પ કિલ્રોગ્રામ જેટલું વજન ધરાવે છે. આ ખિસકોલીઓ હવામાં લાંબા અંતર સુધી સરકી શકે છે એટલે કે ગ્લાઇડીંગ કરી શકે છે અને તેથી તેમને ઉડતી ખિસકોલીઓ કહેવામાં આવે છે. આવી ઉડતી ખિસકોલીઓનું દુનિયામાં અસ્તિત્વ હોવાની જાણ આમ તો વૈજ્ઞાનિકોને ૧૩૦ વર્ષથી હતી, પરંતુ અત્યાર સુધી આવી ખિસકોલીઓ પાકિસ્તાનના ઉત્તરીય દુર્ગમ ખીણ પ્રદેશમાં જ હોવાનું માનવામાં આવતું હતું અને તે ઉડતી ખિસકોલીની ઘણી દુર્લભ એવી એકમાત્ર પ્રજાતિ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હવે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ચીનના સ્વાયત્ત તિબેટિયન પ્રદેશ અને ભારતના સિક્કિમ રાજ્યના હિમાલયન વિસ્તારોમાં પણ આવી ખિસકોલીઓ રહે છે.

હમણા પેસિફિક મહાસાગરમાં સંશોધનો કરતી એક ટુકડીને અત્યંત દુર્લભ એવો ગ્લાસ ઓકટોપસ જોવા મળ્યો. આ ઓકટોપસની ચામડી કાચ જેવી પારદર્શક હોય છે અને તેમાંથી તેના શરીરના અંદરના ભાગો પણ નરી આંખે જોઇ શકાય છે. આવા ઓકટોપસના અસ્તિત્વ અંગે છેક ૧૯૧૮થી નિષ્ણાતોને જાણ હતી પરંતુ તે જોવા ભાગ્યે જ મળે છે, અને જાણકારો તથા નિષ્ણાતો સિવાય સામાન્ય લોકોને તો તેના અસ્તિત્વની પણ જાણ ન હતી. કેટલાક વર્ષ પહેલા ઇન્ડોનેશિયાના કોઇ નિર્જન ટાપુ પર અત્યંત મોટા કદની, મગર જેવી ગરોળી મળી આવી હતી.

કોઇ નાનુ વિમાન બગડી ગયું અને આ ટાપુ પર ઉતરાણ કરાવવું પડ્યું, ત્યારે આ વિમાનમાંના લોકોએ આ વિશાળ ગરોળીઓ જોઇ હતી અને તેમણે બાદમાં સૌને આ ગરોળી બાબતે જાણ કરી ત્યારે ઘણા લોકો આ વાત માનવા તૈયાર ન હતા. છેવટે તે ટાપુ પર તપાસ કરવામાં આવી તો જાણ થઇ કે વાસ્તવમાં આવી વિશાળ ગરોળીઓ ત્યાં વસે છે, નિષ્ણાતોને પણ તેના અસ્તિત્વ અંગે પહેલી વખત જાણ થઇ. જીવ સૃષ્ટિની બાબતમાં જ નહીં બીજી પણ અનેક બાબતોમાં આપણે આપણી પૃથ્વી પરના રહસ્યોથી અજાણ હોઇ શકીએ છીએ. બર્મુડા ત્રિકોણનું રહસ્ય કે હિમમાનવના અસ્તિત્વ વિશેનું રહસ્ય માણસજાતને મૂંઝવતું રહ્યું છે. આપણે અવકાશ તરફ મીટ ભલે માંડીએ પણ પૃથ્વી પરની ઘણી બાબતોથી આપણે હજી નાવાકેફ હોઇ શકીએ છીએ.

ફરીથી રેન્સમવેર હુમલો: આ દૂષણ સામે વિશ્વના દેશોએ સહકાર કરવાની જરૂર

આપણે આ સ્થળે હજી થોડા સમય પહેલા જ ચર્ચા કરી હતી કે હેકરો હવે લોહી ચાખેલા વાઘ જેવા બની રહ્યા છે. વિશ્વમાં ઇન્ટરનેટના વધેલા વ્યાપ અને તેના પર આધારિત બનતી જતી મહાકાય કંપનીઓથી માંડીને નાની સંસ્થાઓને કારણે હેકરોને મોકળું મેદાન મળી રહ્યું છે અને જો પુરતી કાળજી રાખવામાં નહીં આવે તો આ હેકરો ક્યારેક મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આ શંકાઓને બળ આપતા કેટલાક બનાવો તો બનવા પણ માંડ્યા છે અને તેમાં હાલમાં બનેલા એક મોટા બનાવમાં હેકરોએ કરેલા રેન્સમવેર હુમલાને કારણે વિશ્વભરના દસ લાખ જેટલા નાના મોટા એકમોને વધતા ઓછા પ્રમાણમાં અસર થઇ છે.

અત્યાર સુધીનો સૌથી મોટો નોંધાયેલો રેન્સમવેર હુમલો જેને માનવામાં આવે છે તેવા એક હુમલામાં દુનિયાભરની દસ લાખ જેટલી કંપનીઓ અને ધંધાકીય ગૃહોને અસર થઇ હોવાનો અંદાજ છે જે હુમલો એક રશિયન હેકર જૂથ દ્વારા હાલમાં કરવામાં આવ્યો છે. આરએવિલ નામના જૂથના હેકર જૂથે અમેરિકી ટેક કંપની કાસેયા પર હુમલો કર્યો છે. તેણે કાસેયાની સિસ્ટમને અસરગ્રસ્ત કરી છે અને આ કંપનીના કસ્ટમરોને પણ આ હુમલાની અસર થઇ છે.

વિશ્વભરની અનેક આઇટી સિસ્ટમોને અસર થઇ છે. સ્વીડિશ ગ્રોસરી સ્ટોરો, ન્યૂઝીલેન્ડની શાળાઓ અને બે ડચ ટેક કંપનીઓ તથા બીજા અનેક એકમોને આ હુમલાની અસર થઇ છે. કાસેયા કહે છે કે તેના કેટલાક ડઝન ગ્રાહકોને આ હુમલાની અસર થઇ છે પરંતુ જાણકારો કહે છે કે આડકતરી રીતે અસરગ્રસ્ત થયેલા એકમો ગણવા જઇએ તો વિશ્વભરના દસ લાખ જેટલા એકમોને અસર થઇ છે જેમાં કંપનીઓ, વેપાર ગૃહો, સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારતની કોઇ સંસ્થા કે કંપનીને આ હુમલાથી સીધી કે આડકતરી અસર થઇ હોવાના કોઇ અહેવાલ નથી પણ ભવિષ્યમાં ભારતીય એકમોને અસર નહીં જ થાય તેની કોઇ ખાતરી પણ નથી.

આરએવિલ એ રશિયા સાથે સંકળાયેલું એક હેકર ગ્રુપ છે અને તે આ હુમલા વડે થયેલી સ્થગિતતા દૂર કરવા માટે ૭ કરોડ ડોલરની ખંડણીની માગણી કરી છે. અમેરિકી પ્રમુખ જો બાઇડને આ બાબતે એફબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે અને ચેતવણી આપી છે કે જો રશિયા આમાં જવાબદાર ગણાશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. આ હુમલો એના થોડા સપ્તાહો પછી જ થયો છે જ્યારે બાઇડને રશિયન પ્રમુખ પુટીનને હેકરોને રક્ષણ આપવાનું બંધ કરવા કહ્યું હતું. જો કે રશિયાની સરકાર આવા હુમલાઓમાં પોતાની કોઇ જવાબદારી નહીં હોવાનું કહીને હાથ ઉંચા કરી દે તે સ્વાભાવિક છે.

ફરી ફરીને કહેવું પડશે કે ઇન્ટરનેટ પર વધુ પડતી આધારિત થઇ ગયેલી વૈશ્વિક વ્યવસ્થાઓને આવા હુમલાઓથી બચાવવા માટે કોઇ ફુલપ્રુફ સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. વિશ્વભરના દેશોએ હેકરોના હુમલાઓથી વૈશ્વિક કોમ્પ્યુટર વ્યવસ્થાઓને રક્ષણ આપી શકાય તે માટેની કોઇ મજબૂત વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે.

Most Popular

To Top