આણંદ : આણંદમાં અષાઢી વાદળો ઘેરાયા બાદ વરસવાનું શરૂ કર્યુ છે, સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લા સરેરાશ સવાથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેતરો ફરી જીવંત બની ગયાં હતાં અને ખેડૂતોના ચહેરા પરથી ચિંતાના વાદળો હટી ગયાં હતાં. બીજી તરફ શહેરી વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં રહિશો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતાં. આમ છતાં આ વરસાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના પગલે એકંદરે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આણંદ જિલ્લામાં રવિવારે પડેલા વરસાદથી જગતના તાત ગેલમાં આવી ગયાં છે. જિલ્લાના આઠેય તાલુકામાં વરસાદ નોંધાયો છે. અષાઢી વાદળો ઘેરાયા બાદ શનિવાર સાંજથી વરસવાનું શરૂ કર્યું હતુ. જોકે, બીજા દિવસે વરસાદનું જોર વધ્યું હતું અને આણંદ, ઉમરેઠ, ખંભાત અને બોરસદમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હતો. જ્યારે અન્ય તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. રવિવારે દિવસભર ઝરમર વરસાદ બાદ મોડી રાત્રે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. જેનું જોર સોમવાર સવારે પણ જોવા મળ્યું હતું. જોકે, થોયા સમયના વિરામ બાદ ફરી બપોરે વરસાદ શરૂ થયો હતો અને સમગ્ર જિલ્લામાં બપોરના 2થી 4ના ગાળામાં જોરદાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.
શહેરી વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું. ખાસ કરીને આણંદ શહેરના તુલસીગરનાળામાં પાણી ભરાતા બન્ને બાજુ વાહનોની અવર જવર બંધ થઇ ગઈ હતી. જોકે, હવામાન વિભાગના મત મુજબ હજુ પણ ત્રણેક દિવસ વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ વર્તારાના પગલે એલર્ટ બની ગયું છે.
ઉમરેઠમાં રસ્તા પર પાણી ભરાતાં હાલાકી
ઉમરેઠમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જેમાં વડા બજાર ભગવાન વગો, આરટીઆઇ કોલેજના રસ્તા ઉપર તથા લાલ દરવાજા થામણા ચોકડી પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉમરેઠ નગરપાલિકાની અણઆવડતના લીધે વારે ઘડીએ આ વિસ્તારમાં વરસાદ પડતા સાથે પાણી જોવા મળે છે. વરસાદી પાણી ભરાઇ જવાથી લોકો મુશ્કેલીઓમાં સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે.