Charotar

આણંદના વઘાસી ગામમાં વેપારીના ઘરમાંથી સવા લાખની મત્તા ચોરાઇ

પતિ – પત્ની કામ પર ગયા હતા તે સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

(પ્રતિનિધિ) આણંદ તા.10

આણંદના વઘાસી ગામમાં રહેતા અને નાસ્તાની લારી ચલાવવાનો વ્યવસાય કરતા યુવકના ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ અને દાગીના મળી કુલ રૂ.1.15 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

વઘાસીના પાતોળપુરા તળાવ પાસે હરિપૂજન સોસાયટીમાં રહેતા નિકુંજ અમુભાઈ બાબરીયા આણંદના શાસ્ત્રીબાગ પાસે નાસ્તાની લારી ચલાવે છે. આ ઉપરાંત ચિખોદરા જે.કે. પાર્ક સામે ક્રિષ્ના એવન્યુ-2માં તેમના મકાન પર કામ કરવા જતાં હતાં. આ સમયે વઘાસીમાં તેમનું મકાન બંધ રહેતું હતું. દરમિયાનમાં 10મી એપ્રિલના રોજ નિકુંજ અને તેમના પત્ની ગાયત્રીબહેન નિત્યક્રમ મુજબ સવારના વઘાસીના ઘરને લોક મારીને ચિખોદરા જે. કે. પાર્ક સામે ક્રિષ્ણા એવન્યુ પર ગયાં હતાં. બાદમાં આણંદ શાસ્ત્રી મેદાન તેમની નાસ્તાની લારી પર ગયાં હતાં અને ગાયત્રી બહેન ઘરે ગયાં હતાં. જોકે, તેઓ વઘાસી પહોંચ્યાં તે સમયે ઘરની હાલત જોઇ ચોંકી ગયાં હતાં. મકાનના દરવાજાનો નકુચો તુટેલો હતો અને દરવાજો ખુલ્લો હતો. જેથી ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી તુરંત નિકુંજભાઈને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યાં હતાં. મકાનનો દરવાજાનો નકુચો તુટેલો હતો. દરવાજો ખુલ્લો હતો. જેથી મકાનની અંદર જઇ જોયું તો મકાનનો સર સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરી ખુલ્લી હતી. જેથી તિજોરીમાં જોતા તિજોરીમાં મુકેલા સોનાના દાગીના, રોકડ રૂ.40 હજાર મળી કુલ રૂ.1.15 લાખની મત્તા ચોરી થઇ હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top